હરીપર તાલુકા શાળા દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હરીપર તાલુકા શાળા દ્વારા જલાંજલિ- વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ હતી.

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી હરીપર તાલુકા શાળા ખાતે તાજેતરમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વર્ષ 2021-22 દરમ્યાન બાળકોએ વૃક્ષારોપણ ,હિન્દી દિવસની ઉજવણી ,ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ, વિશ્વ જળ દિવસ ઉજવણી, પત્ર લેખન કળા વિગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય, તેમને ભાવિશાબેન બુધ્ધદેવ, રુટસ્કિલ તથા મધુસુદનભાઈ ઠક્કરના સહકાર અને માર્ગદર્શન મુજબ બાળકોને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બાળકોના હિત, મૂલ્યોનો વિકાસ થાય અને જનજાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભાવિશાબેન બુદ્ધદેવના સાથ સહકાર અને માર્ગદર્શન મુજબ સંપન્ન થયો હતો. આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે સી.આર.સી. ભીમશીભાઈ ગોજીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના આચાર્ય છગનભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો દ્વારા જળ એ જ જીવન વિશે સુત્રો, ચિત્ર અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષક દિપેન બારાઈએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સપનાબેન કાનાણી, રાજેન્દ્રસિંહ ઠાકોર, કાળુભાઈ ગોજિયા, શત્રુઘ્નભાઈ ગોજિયા, વિજયભાઈ નાઈ વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.