દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આર.ટી.ઈ. એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ ફોર્મ અંગેની કામગીરીનો તા. 30 થી પ્રારંભ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. તા. 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય અને આર.ટી.ઈ. વેબપોર્ટલ પર દર્શાવેલી વિગત પ્રમાણે અગ્રતાક્રમ ધરાવતા હોય તેવા બાળકો જ આ યોજના અન્વયે પ્રવેશપાત્ર બને છે.

ઉપરોક્ત યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થી વિદ્યાર્થીઓ તા. 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન આર.ટી.ઈ. નીhttp://rte.orpgujarat.com વેબસાઈટ પરથી પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગે વાલીઓએ ઓનલાઈન ફોમ ભરતી વખતે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કે કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતું હોય ત્યાં) સહિતના જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ માટે માર્ગદર્શન અને જાણકારી માટે હેલ્પલાઇન નંબર – 85110 84558 પર સંપર્ક કરવાનો રહેશે. જ્યારે આર.ટી.ઈ. અંતર્ગત ભરેલા ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલું ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં તેમ દેવભૂમિ દ્વારકાના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની એક યાદીમાં જણાવાયું છે.