દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વનરક્ષકની પરીક્ષા દરમ્યાન પ્રતિબંધક આદેશો જારી કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ- અમદાવાદ દ્વારા વનરક્ષક વર્ગ-3ની જગ્યા ઉપર ભરતી માટેની પરીક્ષા રવિવાર તા. 27 માર્ચના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે ઉમેદવારોને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાનીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ-ફોટોકોપી થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીઓએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જોધપુર ગેઈટ ખાતે આવેલી આદર્શ સ્કૂલ, પોર ગેઈટ વિસ્તારમાં આવેલી એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ, ખંભાળિયામાં પોરબંદર રોડ પર નવચેતન વિદ્યાલય, અત્રે દ્વારકા રોડ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા વિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલી અગત્સ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વારકામાં કેન્દ્રીય વિદ્યાલયની પાછળ આવેલી મોડેલ સ્કૂલ, દ્વારકામાં એન.ડી.એચ. હાઈસ્કુલ અને મીઠાપુરમાં હોસ્પિટલ રોડ પર આવેલી હાઈસ્કુલ ખાતે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરની વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી-અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીનધારકોને તા. 27 માર્ચના રોજ સવારના 9 થી 2 વાગ્યા સુધી તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.