ખંભાળિયા માનવ સેવા સમિતિ દ્વારા વિવિધ કેમ્પ યોજાયા

250 જેટલા દર્દીઓએ લાભ લીધો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે તાજેતરમાં વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુંબઈ સ્થિત શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થા, અક્ષય સુભાષ મોરઝરિયા ફાઉન્ડેશન (હ. હિરલબેન શશાંકકુમાર ઝા) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા, દંત યજ્ઞ, તેમજ અન્ય રોગની સારવાર સાથેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટર વિવેકભાઈ પરમાર, દાંતના નિષ્ણાત ડોક્ટર ક્રિષ્નાબેન મોરઝરીયા, જનરલ રોગોના નિષ્ણાત ડોક્ટર એકતાબેન મંડોરા તેમજ લેબોરેટરી વિભાગમાં રિમ્પલબેન બારાઈએ સેવા આપી હતી. આ કેમ્પનો લાભ 250 જેટલા દર્દીઓએ લઈ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આંખના 32 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર જણાતા ક્રમશઃ બદીયાણી હોસ્પિટલ ખાતે જ દાતાના આર્થિક સહયોગથી વિનામૂલ્યે દાતાના ઓપરેશન કરી નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે. દાંતના દર્દીઓને પણ વધુ જરૂર જણાતા સારવાર, સર્જરી, દાંત તથા બત્રીસી બદીયાણી હોસ્પિટલ ખાતે જ બનાવી આપવામાં આવશે.

આ કેમ્પમાં ઉપસ્થિત આગેવાનો, હોદેદારો અને દર્દીઓને માનવ સેવા સમિતિના ખજાનચી જગદીશભાઈ ચાવડાએ આવકારી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. દાતા પરિવારના સદસ્ય અને સંસ્થાના ટ્રસ્ટી નાથાલાલભાઈ બદીયાણીએ આ કેમ્પ માટે ઉઠાવેલી જહેમત બદલ સંસ્થા દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દાતા પરિવારનો પરિચય સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ આપી, હોસ્પિટલના કાર્યની રૂપરેખા આપી હતી.

આ કેમ્પમાં સંસ્થાના સેક્રેટરી મનુભાઈ પાબારી, ટ્રસ્ટી વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ તથા હોસ્પિટલના મેનેજર અભિષેક સવજાણી, રાહુલ કણજારીયા, વિગેરેએ ઉપસ્થિત રહી જરૂરી વ્યવસ્થા જાળવી, માર્ગદર્શન આપીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.