ખંભાળિયાના દાતા ગામે પ્રેરણારૂપ શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના દાતા ગામે પ્રેરણારૂપ શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા હતા.

“સૌ ભણે- સૌ આગળ વધે” તથા “મારું ગામ શિક્ષીત ગામ” વાક્યને સાર્થક કરવા માટે ખંભાળિયા તાલુકાના દાતા ગામના પંચાયતના ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનો દ્વારા શિક્ષણને જ સર્વસ્વ શક્તિ સમજીને ગામની શાળાના ખાત-મુહૂર્તથી માંડીને આજ સુધી જે ગામની શાળા રમત-ગમત ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રમાં શાળાનું જે પ્રદર્શન રહ્યું છે, તે સરાહનીય ગણાવીને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જ ધ્યેયને આગળ ધપાવવા ગઈકાલે ગુરુવારે દાતા ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક આગેવાન કનકસિંહ જાડેજા તથા સરપંચ ગાયત્રીબા જાડેજા, ઉપસરપંચ રાજુભાઈ સરસીયા તથા શાળાના પ્રિન્સિપાલ રવિભાઈ નડિયાપરા સાથે શાળાના તમામ સ્ટાફ દ્વારા બપોરનું ભોજન શાળાના બાળકો સાથે લીધા બાદ ગામના દરેક બાળકોને અગ્રણી કનકસિંહ જાડેજા દ્વારા રૂ. વીસ હજારની રકમના અભ્યાસને લગતા વિવિઘ પ્રકારના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા શાળાના દરેક વર્ગમાં અભ્યાસને લગતું પેન્ટિંગ વર્ક કરવા માટે પંચાયત તરફથી રૂ. 50 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં, આગામી સમયમાં શાળાના આચાર્યને ગામના સરપંચ, ઉપસરપંચ તથા આગેવાનો દ્વારા ગામની આ સ્કૂલ રાજ્યની મોડેલ સ્કૂલ બને તેવા તમામ પ્રયત્નો કરવા માટે જણાવ્યું હતું. આ માટે જરૂરિયાત મુજબના કોઈપણ સંયોગની તત્પરતા પણ તેમણે દર્શાવી હતી. આ સમગ્ર આયોજન પ્રેરણા રૂપ બની રહ્યું હતું.