રાજ્યમાં આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નોને લઈને સોમવારથી ‘કામગીરી ચાલુ, રિપોર્ટિંગ બંધ’ આંદોલન

દેવભૂમિ દ્વારકા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનાં કાર્યક્રમો બાબતે દેવભૂમિ દ્વારકા આરોગ્ય કર્મચારી મહામંડળ – ખંભાળિયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જે મુજબ તા. તા.૨૮-૦૩-૨૦૨૨નાં રોજથી કામગીરી ચાલુ રિપોર્ટિંગ બંધ સહિત વિવિધ આંદોલન કરવામાં આવશે.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા તા.૨૦-૧૨-૨૦૨૧ના રોજ અલ્ટીમેટમ આપેલ છે તથા તા.૨૪-૧૨-૨૦૧૯ અને તા.૨૭-૨-૨૦૧૯ તથા તા. ૨૧-૦૧-૨૦૨૧ એમ ત્રણ-ત્રણ આંદોલન વખતે થયેલ સમાધાન મુજબ પંચાયત સેવા હેઠળનાં આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણી અંગે દુર્લક્ષતા સેવાતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશથી તા.૨૮-૦૩ ૨૦૨૨નાં રોજથી કામગીરી ચાલુ રીપોટીંગ બંધ સહિત વિવિધ આંદોલન આપવામાં આવશે. જેનો જિલ્લાભરના તમામ કર્મચારીઓ આદેશનું પાલન કરશે.

આ આંદોલન પાંચ પડતર પ્રશ્નો સંદર્ભે કરવામાં આવશે. જે મુજબ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ અપ-ગ્રેડ કરી સ્ટાફ નર્સના ગ્રેડ-પે સુધારવા બાબત, પંચાયત સેવાના ફાર્માસીસ્ટ AICTE મુજબ ટેકનીકલ કેડર હોઈ, હાલના આર.આર. મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ૪૬૦૦નો ગ્રેડ-પે આપવા બાબત, આરોગ્યના મેડીકલ પ્રભાગના લેબ.ટેકના આર.ઓ.પી. ૧૯૮૭થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવામાં આવેલ છે. જે મુજબ પંચાયત સેવાના લેબટેકને મળવા બાબત, આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું આરોગ્ય અને પરિવાર કલ્યાન્ન વિભાગના તા. ૨૭-૧૨-૨૦૦૦ ના ઠરાવ મુજબ ક્ષેત્રીય ભથ્થું આપવા બાબત તેમજ આરોગ્ય કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો પગાર અથવા કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું આપવા બાબતે માંગ કરવામાં આવશે.

આંદોલનના કાર્યક્રમો જોઈએ તો તા. ૨૮-૩-૨૦૨૨ના રોજથી જોબ ચાર્ટને લગતા વર્કલોડ તથા રાજય સરકારની યોજના, કાર્યક્રમો અંગે તમામ કામગીરી કરવી પરંતુ તે અંગેની માહિતી, રિપોર્ટ જયાં સુધી મહાસંઘનો બીજો આદેશ ન મળે ત્યાં સુધી આપવા નહી. અને સબસેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા તમામ કેડરના તમામ પ્રકારના ઓનલાઈન તથા ઓફ લાઈન રીપોર્ટીંગ સંપૂર્ણ બંધ કરવા, તમામ કેટરના ડેઈલી, વીકલી અને મંથલી કોઈપણ રિપોર્ટ કરવા નહી તથા ફિમેલ હેલ્થ વર્કરનો ટેકો મોબાઈલ ત્રણ દિવસ લોગ આઉટ કરી સ્વીચ ઓફ કરી દેવા અને ત્યારબાદ તા. ૩૧-૩-૨૦૨૨ના રોજ તાલુકા આરોગ્ય કચેરીએ જમા કરાવી દેવા, ફાર્માસીસ્ટને લાગુ પડતા તમામ ડેઈલી, મંથલી, રીપોર્ટ તથા ઓનલાઈન કામગીરી જેવી કે ઈ-ઔષધી ઈ-વીન મોબાઈલ મેડીકલ ઓફિસરને જમા કરાવવા, એલ.ટી.ની એલ.આઈ.એસ. કામગીરી તથા અન્ય ઓનલાઈન કામગીરી બંધ કરવી અને સ્ટાફ નર્સને લગતી રિપોર્ટીંગ કામગીરી સંપૂર્ણ બંધ કરવી અને ડેટા ઓપરેટરને કોઈપણ લખિત કે મૌખિક માહિતી આપવી નહી.

સત્યાગ્રહ છાવણ સેકટર-૬ ગાંધીનગર ખાતે સોમવાર તા. ૪-૪-૨૦૨૨ના રોજ સમય સવારે ૧૧-૦૦ થી ૪-૦૦ કલાક દરમ્યાન મર્યાદિત સંખ્યામાં(યાદી મુજબ) કોવિડનની ગાઈડ લાઈન મુજબ પ્રતિક ઉપવાસ અને ઘરણા અંગેના કાર્યક્રમ તેમજ અન્ય આશ્ચર્યજનક કાર્યક્રમો મહાસંઘની પગલા સમિતિને યોગ્ય લાગશે ત્યારે જાહેર કરશે.