દ્વારકા જિલ્લામાં કેફી પીણું પીધેલા ચાર વાહનચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેફી પીણું પીધેલા ચાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કુલ પાસેથી કેફી પીધેલી હાલતમાં જી.જે. 10 એ.એન. 1804 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા રમેશ સામતભાઈ ડાભી નામના 42 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો. ભાણવડના નગર નાકા વિસ્તારમાંથી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતની અલ્ટો મોટરકાર લઈને નીકળેલા વિજયપુર ગામના દિનેશ અરજણભાઈ કણેત નામના 32 વર્ષના સગર યુવાનને પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે મીઠાપુર તાબેના ભીમરાણા ખાતે રહેતા મહેન્દ્રભા રાજમલભા માણેક નામના 29 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 20,000 ની કિંમતના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ પર નીકળતા પોલીસે મીઠાપુર ચેકપોસ્ટ પાસેથી રાત્રીના પોણા બે વાગ્યાના સમયે ઝડપી લીધો હતો. જ્યારે આ જ વિસ્તારમાંથી આરંભડા ખાતે રહેતા સુનિલ સુરેશભાઈ વારસાકીય નામના 22 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે રાત્રે સાડા ત્રણ વાગ્યે રૂપિયા 20,000 ની કિંમતના સ્પ્લેન્ડર બાઈક પર પીધેલી હાલતમાં ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.