દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમીનો વધતો જતો પ્રકોપ

“લૂ” ની અસરથી બચવા જરૂરી સાવચેતી ઈચ્છનીય

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીના દિવસોમાં લૂ ની અસરથી બચવા માટે જિલ્લા નાગરીકોને હીટ વેવ દરમ્યાન બહાર નિકળવાનું ટાળવા, શરીર અને માથું ઢાંકીને રાખવા, સફેદ અને ખુલ્લા કપડા પહેરવા, છત્રીનો ઉપયોગ કરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓને તડકામાં વિશેષ કાળજી રાખવા, સીધા સૂર્યપ્રકાશથી બચવા, વારંવાર ઠંડુ પાણી પીવા, લીબું સરબત, મોળી છાસ, તાળફળી અને નાળિયેરનું પાણી તથા ખાંડ-મીઠાનું દ્વાવણ તેમજ ઓ.આર.એસ. વિગેરે પુરતા પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો ન્હાવાના પાણીમાં ઉપયોગ કરવા, શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવા, છાયડામાં રહેવા, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવા, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવા, દૂધ અને માવાની આઈટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શક્યતાઓ વધુ હોવાથી આનું સેવન ન કરવા અને ખાસ કરીને દિવસોમાં બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા સહિતના પગલાં લેવા નિષ્ણાંતો દ્વારા જણાવ્યું છે.

ગરમીના દિવસોમાં માથાનો દુખાવો, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ વધવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે.

આ ગરમીની મોસમ દરમ્યાન સારૂ આરોગ્ય જળવાઈ રહે તે માટે વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત, રાત્રી દરમ્યાન કાળી દ્રાક્ષ અને સવાર-બપોર- સાંજે તરબુચનો ઉપયોગ કરવો તેમજ લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.