ખંભાળિયાના ભાણવારી ગામે કુવામાં ખાબકેલી બિલાડીનું રેસ્ક્યુ કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક આવેલા ભાણવારી ગામે એક ખુલ્લા કૂવામાં પડી ગયેલા એક બિલાડીને અહીંના એનિમલ કેર ગ્રુપના કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કરી અને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.

ખંભાળિયા તાલુકાના ભાણવારી ગામે વાડી વિસ્તારમાં આવેલા આશરે 75 ફૂટ જેટલા ઊંડા અને ખુલ્લા કૂવામાં એક જંગલી બિલાડી પડી ગઈ હોવાની માહિતી સ્થાનિક રહીશોએ અહીંના જાણીતા એનિમલ કેર ગ્રુપના કાર્યકરોને કરતાં આ ગ્રુપના કાર્યકર દેશુરભાઈ ધમા તથા અન્ય યુવાનો ભાણવારી ખાતે દોડી ગયા હતા અને મહદ્ અંશે ખાલી રહેલા આ ઊંડા કૂવામાં ઉતરીને તેમાં રહેલી આ જંગલી બિલાડીને કાઢવા માટે સધન પ્રયાસોના ભાગરૂપે દોરડા, નેટ વિગેરેની મદદથી નોંધપાત્ર જહેમત ઉઠાવી અને આ જંગલી બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

કૂવામાંથી કાઢ્યા બાદ આ બિલાડીને ખુલ્લામાં છોડી મૂકવામાં આવી હતી.