ખંભાળિયાની એમ.ઓ.વાયા બોયઝ સ્કૂલના ધોરણ 12ના છાત્રની રસીદમાં વિષય ભૂલ એક કલાકમાં સુધારાઈ

વિદ્યાર્થીનું બોર્ડનું વર્ષ બગડતા અટક્યું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાની એમ.ઓ. વાયા બોયઝ સ્કૂલના ધોરણ 12 ના છાત્રની રસીદમાં વિષય ભૂલ એક કલાકમાં સુધારાતા વિદ્યાર્થીનું બોર્ડનું વર્ષ બગડતા અટક્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની જાણીતી એમ.ઓ. વાયા બોયઝ સ્કૂલના ધોરણ 12 ના વિદ્યાર્થી કરન હાજાભાઈ મોરીએ નામના વિદ્યાર્થીએ તાજેતરમાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા આપવાનો પ્રારંભ કર્યો હતો. તેની બોર્ડની રસીદમાં વિષય આંકડાશાસ્ત્રના બદલે સમાજશાસ્ત્ર લખાયું હતું. મંગળવારે બપોરે 3 વાગ્યે તેનું પેપર શરૂ થવાનું હતું અને ઉપરોક્ત ભૂલ અંગે તેને બપોરે જ ખબર પડી હતી. આથી તે પરીક્ષા ન થઈ શકે અને વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

આ બાબત અંગે શાળાના આચાર્યા હર્ષદબા ચાવડાએ સ્થળ સંચાલક બી.પી. સોનગરા તથા ધોરણ 12 ના ઝોનલ અધિકારી કમલેશભાઈ પાથરને માહિતગાર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્યને જાણ કરાતા આ બાબત રાજ્ય આચાર્ય સંઘના અગ્રણી ભરતભાઈ ચૌધરી ને માહિતગાર કરી માત્ર બે કલાક જેટલા ટૂંકા ગાળામાં બોર્ડના મુખ્ય અધિકારી અવનિબા મોરીને આખી પરિસ્થિતિ સમજાવી ઉપરોક્ત વિદ્યાર્થી કરન મોરીના વિષય સમાજશાસ્ત્રના બદલે આંકડાશાસ્ત્ર અંગેનો સુધારા પત્ર ખંભાળિયા ઝોનલ અધિકારીને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી સમયસર રસીદ અંગેનો ફેરફાર થતા વિદ્યાર્થીનું વર્ષ બગડતા અટક્યું હતું.

ગાંધીનગર એસઆરપી કર્મચારી અશ્વિનસિંહ દ્વારા બોર્ડ કચેરીમાં આ સાહિત્ય પહોંચાડવા વ્યવસ્થા કરાઈ હતી. આમ, અધિકારીની તાકીદની કાર્યવાહી અને સંઘના હોદ્દેદારો સહિત શૈક્ષણિક વિભાગની પરિણામલક્ષી કામગીરીથી વિદ્યાર્થીનું વર્ષ બગડતા અટક્યું હતું