રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાષ્ટ્રીય સલામતી અર્થે દ્વારકા જિલ્લાની મુલાકાતે

દરિયાઈ માર્ગેથી સંભવિત ભય અંગેના વિવિધ પાસાઓ તપાસાયા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલ એજન્સીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રવર્તમાન સંજોગો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બનતા આતંકવાદી બનાવોને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જીલ્લો ભારતની પશ્ચિમી આતંરરાષ્ટ્રીય સરહદે આવેલ છે અને પાકિસ્તાન દરિયાઈ માર્ગેથી નજીક છે. નજીકના ભૂતકાળમાં ભારતમાં અલગ અલગ જગ્યાએ થયેલ આતંકવાદી હુમલાઓ તેમજ દરિયાઈ માર્ગેથી સંભવિત ભયને પહોંચી વળવા સારૂ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતેની રાજકુમારભાઈ, અધિક મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા નિલેશ જાજડીયા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરએ મુલાકાત લઈ રાષ્ટ્રીય સલામતિ અર્થે દરિયાઈ માર્ગેથી સંભવિત ભય અંગેના વિવિધ પાસાઓને તપાસવામાં આવેલ હતા.

શ્રીદ્વારકાધીશજી જગત મંદિર ખાતે મંદિરની મુલાકાત લઈ મંદિર સુરક્ષાની તપાસણી કરીને દેવસ્થાન સમિતિના ચેરમેન તથા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, મદદનીશ પોલીસ અધિક્ષક નિધી ઠાકુર તથા મંદિર સુરક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ સાથે મીટીંગ યોજીને મંદિર સુરક્ષા અર્થે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ રૂપેણ બંદર, દ્વારકા ખાતે ફિશરીજ ગાર્ડની ઓફિસની મુલાકાત લઈ માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા જતી વખતે તથા પરત આવતી વખતે થતી કાર્યવાહી અંગેની સમીક્ષા કરીને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. તેમજ ઓખા ખાતે ફિશરીજ કચેરી તથા ફિશરીજ જેટીની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અને ભારત દેશની એકમાત્ર મરીન પોલીસને તાલીમ આપતી નેશનલ એકેડેમી કોસ્ટલ પોલીસીંગ (NACP)ની મુલાકાત લઈ જવાનોને આપવામાં આવતી મરીન તાલીમ બાબતે જરૂરી માહિતી મેળવી જરૂરી સુચનો આપવામાં આવેલ હતી.

વધુમાં, દરિયાઈ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, કોસ્ટગાર્ડ, કસ્ટમ, ફિશરીજ, જી.એમ.બી. મરીન ફોરેસ્ટ, વિ.ટી.એમ.એસ., લાઈટ હાઉસ વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ યોજીને હાલની દરિયાઈ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા અર્થે ઉપલબ્ધ સંસાધનો તથા મેન પાવર તેમજ સુવિધાઓની માહિતી મેળવીને દરિયાઈ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવેલ હતી.