દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચાલતી બોર્ડની પરીક્ષાઓ

છેલ્લા ચાર દિવસ દરમ્યાન એક પણ કોપીકેસ નોંધાયો નથી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. અને છેલ્લા ચાર દિવસ દરમ્યાન એક પણ કોપીકેસ નોંધાયો નથી.

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત સોમવારથી ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં ચાલી રહેલી આ પરિક્ષાઓમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન એક પણ ગેરરીતિ કે કોપીકેસનો બનાવ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ ચાલી રહી છે.

ગઇકાલે શુક્રવારે ચોથા દિવસે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં કુલ 3044 પૈકી 66 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે એસ.એસ.સી.ના ઝોન 122 માં કુલ 820 પૈકી 15 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર તથા શિક્ષણાધિકારી કચેરીના નિરિક્ષક વિમલભાઈ કિરતસાતા સાથે ઝોનલ અધિકારી કમલેશભાઈ પાથર વિગેરે દ્વારા પરીક્ષા અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં એક કોપી કેસ થયાની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. જો કે ગઈકાલ સુધી સત્તાવાર એક પણ કેસ નોંધાયો નથી.