દેવભૂમિ દ્વારકા જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાના માધવપુર ઉત્‍સવ અંગેની તૈયારીઓનો પ્રારંભ

જગત મંદિર સહિતના મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓને રોશનીથી સુશોભિત કરાશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : આઝાદીના અમૃત મહોત્‍સવને સાંસ્‍કૃતિક વિરાસત સાથે જોડવાના હેતુસર આગામી તા. 10 એપ્રિલથી માધવપુર (ઘેડ) ખાતે શરૂ થનારા માધવપુર મહોત્સવ માત્ર પોરબંદર જિલ્‍લા પુરતો સિમિત ન રહે પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્રના તિર્થ સ્‍થળો તેમજ પ્રવાસન સ્‍થળો પણ આ ટુરીઝમ સર્કીટ સાથે જોડાય તે માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ઉદ્દેશથી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જેના સુચારૂ આયોજન માટેની એક બેઠક અહીંના જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી ખાતે સામાજિક આગેવાનો તથા અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી.

આ અંગેની માહિતી જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર આયોજનમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જગત મંદિર સહિત તમામ કૃષ્‍ણ મંદિરો તથા બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર તથા વૈષ્‍ણવ સંપ્રદાયની હવેલીઓને રોશનીથી શણગારી સુશોભિત કરવામાં આવશે. આ સાથે દ્વારકા- પોરબંદર-માધવપુર સુધીની પ્રવાસી સર્કિટ નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આ સર્કિટના માધ્‍યમથી વધુમાં વધુ સ્‍થાનિક રોજગારી પણ ઉપલબ્‍ધ કરાવવાનું જિલ્‍લા કલેકટરએ સુચન કર્યું હતું.

દેવભૂમિ દ્વારકાના તમામ ચાર તાલુકાઓમાંથી બહોળી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ માધવપુર મહોત્સવમાં ઉપસ્‍થિત રહેશે. લોકો સ્વયં પ્રેરિત થઇ આ મહોત્સવમાં ઉપસ્થિત રહે તે અંગેની જરૂરી આનુષાંગિક વ્‍યવસ્‍થાઓ હાથ ધરવા પણ પદાધિકારીઓ, અધિકારીઓને સુચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડા સુનિલ જોશી, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, નાયબ કલેકટર કે.કે. શાહ, દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી, જિલ્‍લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, હિતેન્‍દ્રભાઈ આચાર્ય, જીજ્ઞેશ પરમાર, સહિત જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.