રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રવિવારે ચોટીલા ખાતે પ્રથમ અધિવેશન : લોહાણા સમાજમાં ઉત્સાહ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રવિવારે ચોટીલા ખાતે પ્રથમ અધિવેશન યોજાનાર છે. ત્યારે લોહાણા સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

છેલ્લા ઘણાં વર્ષોથી રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજના અગ્રણીઓની થઇ રહેલી અવગણના અને ઓછા થઇ રહેલા રાજકીય વર્ચસ્વથી સમગ્ર લોહાણા સમાજ ચિંતિત છે. એક સમયે ગુજરાત વિધાનસભામાં દસ જેટલા રઘુવંશી- લોહાણા અગ્રણીઓ જીતીને આવતા હતા. જે સંખ્યા હાલ ઘટીને માટે એક જ થઈ ગઈ છે.

આ બાબતથી ચિંતિત વિશ્વભરનો રઘુવંશી લોહાણા સમાજ ઘણા સમયથી કંઇક કરવું જોઈએ અને આગળ આવવું જોઈએ- તે દિશામાં વિચારતો હતો. જેના ફળ સ્વરૂપે કેટલાક જાગૃત અને સક્રિય યુવાનો અને વડીલો દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સંકલન કરવામાં આવ્યા બાદ હવે તેમના દ્વારા પ્રથમ અધિવેશન કરી લોહાણા સમાજના રાજકીય રીતે અગ્રણી હોય તેવા તમામ કાર્યકરોને હાજર રાખી, રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા સમાજના આગેવાનોને ટીકીટ મળે અને ટીકીટ મળ્યા બાદ સમાજના લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે તે દિશામાં ઠોસ અને નક્કર કામ કરવા માટે આગામી રવિવારે ચોટીલા ખાતે એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોહાણા અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો ઉપસ્થિત રહી એક નવી ક્રાંતિની શરૂઆત કરશે. રાજકીય રીતે અગ્રણી હોય તેવા રઘુવંશી લોહાણા સમાજના મોભીઓ અને અગ્રણી આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી એક નવી ક્રાંતિ માટે પહેલ કરવા સમાજને હાકલ કરી છે. આ અધિવેશનથી એક નવી શરૂઆત થાય અને આગામી દિવસોમાં તેના સારા પરિણામ સમાજને મળે તે માટે સંસ્થાના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર સતત સક્રિય રહી પોતાની ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.

રઘુવંશી ક્રાંતિ મંચની તમામ સામાજિક પ્રવૃત્તિઓને કોઈ પણ જાતના શુલ્ક વિના વધુમાં વધુ જ્ઞાતિજનો સંસ્થા સાથે જોડાય અને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા અગ્રણીઓને ટીકીટ મળે તે માટે સાથે રહી સહકાર આપશે.