ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો

કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો અને કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા હતા.

ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચા દ્વારા જુની પેન્શન યોજના પુન: શરૂ કરવા માટે આગામી સમયમાં ક્રમશ: આંદોલન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે તા. 1 એપ્રિલના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ માટે એક સામૂહિક રીતે વિરોધ વ્યક્ત કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

નવી પેન્શન યોજના કે જે તા. 1 એપ્રિલ 2005થી અમલમાં મુકવામાં આવી છે. જેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના મથકે સંબંધિત તમામ સરકારી કર્મચારીઓને કાળીપટ્ટી ધારણ કરી, ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચા દ્વારા નક્કી થયેલા આ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ સવારે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા અહીં એકત્ર થઇને નવી પેન્શન યોજના વિરુધ્ધ કાળીપટ્ટી ધારણ કરીને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

આ સાથે ગુજરાત સરકાર દ્વારા તમામ કર્મચારીઓના હિતમાં જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જિલ્લામાં તાલુકા મથકના કર્મચારીઓએ પણ સ્થાનિક કચેરીએ એકત્ર થઇ, આ સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો.