ખાતરના કમ્મરતોડ ભાવવધારાને પરત ખેંચો: કિશાન આગેવાનની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર દ્વારા માંગ

સબસીડી આપવા છતાં ખાતરમાં ભાવ વધારો કેમ થાય છે?- વેધક સવાલ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને ઉદ્યોગકારોને મદદ કરવા માટે ખેડૂતોને બરબાદ કરવાની જાણે સોપારી લીધી હોય તેવો આક્ષેપ કરી, દિવસેને દિવસે સરકારની ખેડૂતલક્ષી નિતી રીતિ ખેડૂત વિરોધી બની રહી હોવાની આશંકા ખંભાળિયા તાલુકાના રહીશ અને ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ખેત ઉત્પાદન માટે વપરાતા ખાતર, દવા, બિયારણ, ડીઝલ, ખેત ઓઝારો મજૂરી વિગેરેના સતત વધતા ભાવમાં જાણે રાજ્ય સરકારનો કોઈ અંકુશ ન હોય તેમ છેલ્લા 7 વર્ષમાં ખેત ઉત્પાદિય વસ્તુના ભાવ 4 થી 5 ગણા વધ્યા છે. જ્યારે ખેડૂતોની ખેત જણસના ભાવ ઠેરના ઠેર છે. જેના કારણે 2022 માં ખેડૂતોની આવક ડબલ થવાના બદલે ઉત્પાદન ખર્ચ ડબલ અને આવક અડધી થઈ ગઈ છે.

સરકારની ખેડૂતલક્ષી પોલિસી, ખેડૂતો બરબાદ થાય, મજબુર બને અને ખેતી છોડી મજૂરી કરતા થાય જેથી ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે અને મજૂરો પણ સહેલાઇથી મળી રહે તેવી પોલિસી રાજ્ય અને કેંદ્ર સરકાર સાથે મળી કરી રહયા હોય તેવું હાલ ગુજરાતનો દરેક ખેડૂત વિચારી રહ્યો છે.

આ અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું છે કે છેલ્લા એક-દોઢ વર્ષમાં રાસાયણિક ખાતરના ભાવ ચારેક વખત વધ્યા છે. જ્યારે જ્યારે ખાતરનો ભાવ વધારો આવ્યો ત્યારે ત્યારે કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી ગુજકોમાંસોલના ચેરમેન, ઈફકો, ક્રિભકોના ચેરમેનએ સામે આવી, ખેડૂતોને નઠારા આશ્વાસન આપ્યા છે. દરેક વખતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે અમે કંપનીઓને સબસીડી આપશું એટલે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો બોઝ સહન કરવો પડશે નહિ અને બીજી બાજુ સરકાર જનતાની તિજોરીમાંથી હજારો કરોડોની સબસીડી કંપનીઓને આપે છે અને તેની સામે ખેડૂતોએ ભાવ વધારોનો બોજ પણ સહન કરવો પડે છે. ખાતર ઉત્પાદન કરતી કંપનીઓને હજારો કરોડોની સબસીડી આપવા છતાં છેલ્લા દોઢ વર્ષમાં નોંધપાત્ર ભાવ વધારો કરવામાં આવ્યો છે

પહેલા પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત પ્રીમિયમ પેટે હજારો નહિ લાખો કરોડો રૂપિયા ખાનગી કંપનીઓને આપી માલામાલ કર્યા બાદ હવે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો બોજ વહન ન કરવો પડે તેવા બહાના તળે ખાતર ઉત્પાદક કંપનીઓને જનતાની તિજોરીમાંથી હજારો કરોડો રૂપિયાના ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડીના નામે આપવામાં આવી રહયા છે. છેલ્લા એક વર્ષમાં ખાતર ઉત્પાદક કંપનીઓને વાર્ષિક સબસીડી પેટે રૂ. 71,409 કરોડ, ત્યારબાદ રૂ. 14,750 કરોડ, ત્યારબાદ રૂ. 28,650 અને છેલ્લે એક મહિના પહેલા અંદાજે રૂ. 20,000 કરોડ જેટલા આપ્યા. એમ મળીને એક જ વર્ષમાં 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા જેટલી સબસીડી ખાતર ઉત્પાદક કંપનીઓને આપવામાં આવી છે તેમ પાલભાઈ દ્વારા જણાવાયું છે.

કહેવાતી ડબલ એન્જીનની સરકાર, કહેવાતી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકારની ચાલ ચલગત ખેડૂતો સમજી ગયા છે. ખેડૂતોને મુંઝવતા સવાલ આપરાજ્યના મુખ્યમંત્રી સમક્ષ મુકતા કિશાન આગેવાન પાલભાઈએ વધુમાં જણાવ્યું છે કે જો રૂપિયા 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડી પેટે આપ્યા તો ખાતરનો ભાવ કેમ વધ્યો…?? અને જો ભાવ વધ્યો તો ખાતર ઉત્પાદક કંપનીઓને રૂપિયા 1 લાખ 35 હજાર કરોડ સબસીડી શા માટે આપી..??

આ ખાતર ઉત્પાદક કંપનીઓને 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા આપ્યા તેને બદલે સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા હોત તો ખેડૂતો રાજી રાજી થઈ ગયા હોત. મનમોહનસિંહ સરકારે ખેડૂતોના 78,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી. તો ખેડૂત ખુબ ખુશ થયા હતા. જ્યારે આ તો એના ડબલ 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા કંપનીઓને આપવાને બદલે ખેડૂતોના દેવા માફ કરવા આપ્યા હોત તો ખેડૂતો આશીર્વાદ આપત એમાં કોઈ શંકા નથી.

ખેડૂતો પર ઝીંકવામાં આવેલો ખાતરનો આ નવો ભાવ વધારો તાકીદે પરત ખેંચવામાં આવે અન્યથા આગામી દિવસોમાં કિસાન કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનના કરશે, તેવી ચિમકી પણ આપવામાં આવી છે.