રાજકોટ રેલવે ડિવિઝને માર્ચ માસમાં ટિકિટ વગરના મુસાફરો પાસેથી રૂ. 1.61 કરોડ વસૂલ કર્યા

એક મહિનાની ટિકિટ ચેકિંગની કમાણીમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ કામગીરી

(રીશી રૂપારેલિયા) દ્વારકા : ટિકિટ વિના અને નિયમો વિરૂધ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે રાજકોટ ડીવીઝનમાં સમગ્ર માસ દરમિયાન સધન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કોરોના બાદ રાજકોટ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની આવકમાં નવા આયામો પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ગત માર્ચ મહિનામાં એક નોંધપાત્ર સિદ્ધિ મેળવીને, રાજકોટ ડીવીઝને ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ કરતા 22,464 મુસાફરો પાસેથી રૂ. 1.61 કરોડ દંડ પેટે વસૂલ કર્યા છે. જે એક જ મહિનામાં ટિકિટ ચેકિંગથી આવકનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે.

અગાઉ રાજકોટ ડિવિઝનમાં ટિકિટ ચેકિંગથી માર્ચ- 2019 માસમાં 1.51 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર પી. ચંદ્રશેખર, ડિવિઝનલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર કે.સી. ગુર્જર અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે,.

1લી એપ્રિલ, 2021 થી 31મી માર્ચ, 2022ના સમયગાળા દરમિયાન, રાજકોટ ડીવીઝને એક વર્ષમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ મુસાફરી કરતા 1,15,522 મુસાફરો પાસેથી રૂ. 7.11 કરોડ વસૂલ કર્યા છે. આ સમયગાળા દરમિયાન, રેલવે પરિસરમાં કચરો નાખવા માટે 376 મુસાફરો પાસેથી રૂ. 1,83,330/- વસૂલ કરવામાં આવ્યા હતા. અહીં જ્યાં-ત્યાં થૂંકવા બદલ 51 મુસાફરો પાસેથી 7,200/- વસૂલવામાં આવ્યા હતા. માસ્ક ન પહેરવા બદલ 468 મુસાફરો પાસેથી 77,295/- વસૂલવામાં આવ્યા હતા.

રાજકોટના ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈને ટિકિટ ચેકીંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની રેકોર્ડબ્રેક કામગીરી બદલ બિરદાવી હતી અને તમામ રેલવે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને સમ્માન સાથે મુસાફરી કરવા અપીલ કરી છે.