“પરીક્ષા પે ચર્ચા” પર વડાપ્રધાન સાથે સંવાદમાં ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓ જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : વડાપ્રધાનની વિદ્યાર્થીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” પર સંવાદમાં ખંભાળિયા સહિત હાલારની શાળાઓના વિદ્યાર્થીઓ ટીવીના માધ્યમથી કાર્યક્રમમાં હોંશભેર જોડાયા હતા.જેમાં મોટી સંખ્યામાં છાત્રોના પ્રશ્નો તથા તેનું નિરાકરણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલ શુક્રવારે વિદ્યાર્થીઓ સાથે યોજવામાં આવેલા “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ખંભાળિયા સહીત દ્વારકા જિલ્લા ઉપરાંત જામનગર જિલ્લાની તમામ સરકારી તથા ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ટીવીના માધ્યમથી જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. કૈલા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા સાથે સી.એમ. મહેતા વગેરે દ્વારા હાલ આ બંને જિલ્લાની તમામ શાળાઓ કે જ્યાં બોર્ડની પરીક્ષા ના હોય ત્યાં તેમજ જ્યાં પરીક્ષા હોય તેની બાજુની પ્રાથમિક શાળામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ લાઈવ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં છાત્રોના પ્રશ્નો તથા તેનું નિરાકરણ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવ્યું હતું.આ ચર્ચામાં પરીક્ષાનું ટેન્શન, ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણમાં એકાગ્રતા, વિષય સજ્જતા, વગેરે મુદ્દે વિદ્યાર્થીઓએ જરૂરી જાણકારી મેળવી હતી.બન્ને જિલ્લાના ધોરણ 9 તથા 11ના વિદ્યાર્થીઓએ અગાઉથી કરવામાં આવેલા આયોજન મુજબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લઇ અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.