નયારા એનર્જીના ઇંધણના ભાવ અન્ય કંપની સમકક્ષ રાખવા રજૂઆત

દ્વારકા જિલ્લાના નયારા પંપ ધારકો દ્વારા આંદોલનની ચીમકી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નયારા એનર્જીના પેટ્રોલ પંપ ધારકો દ્વારા કંપની સત્તાવાળાઓને એક લેખિત પત્ર પાઠવી, ઇંધણના ભાવ અન્ય કંપની કરતાં વધુ હોવા અંગેનો વિરોધ વ્યક્ત કર્યો છે.

ફેડરેશન ઓફ દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યારા એનર્જી હેઠળ આવતા નયારા કંપનીના પેટ્રોલ પંપ ધારકોએ કંપનીના અધિકારીઓને એક પત્ર પાઠવી, છેલ્લા કેટલાક સમયથી કંપની દ્વારા પેટ્રોલ- ડિઝલના ભાવોમાં ક્રમશઃ વધારો કરી, અન્ય પી.એસ.યુ. કંપની કરતા બે રૂપિયા જેટલું ઈંધણ મોંઘુ કરી દેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં હાલ હરીફાઈના સમયમાં ટકી રહેવા માટે તેમજ આ ભાવ વધારાના લીધે તેઓના રિટેલ આઉટલેટ ચલાવવા ખૂબ મુશ્કેલ બની ગયા હોય, આ ભાવ વધારો તાકીદે પરત ખેંચી અને અન્ય પી.એસ.યુ. કંપની સમકક્ષ ભાવ રાખવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે.

જો આમ નહીં કરવામાં આવે તો મંગળવાર તારીખ 5 એપ્રિલથી જિલ્લાના બધા નયારા-એસ્સાર પેટ્રોલ પંપના માલિકો ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે આવેલા સપ્લાય ગેટ સામે ગાંધી ચીંઘ્યા માર્ગે આંદોલન કરશે. આટલું જ નહીં, અહિંસક રીતે અને અચોક્કસ મુદત સુધી અન્નજળનો ત્યાગ કરી, તેઓ ધરણા પ્રદર્શન કરશે તેવી લેખિત ચીમકી એસોસિએશનના પ્રમુખ એડવોકેટ સંજયભાઈ આંબલીયા દ્વારા આપવામાં આવી છે.

આ આંદોલનને સૌરાષ્ટ્રના નયારા પેટ્રોલ પમ્પ એસોસિએશનનો પણ સહયોગ સાંપડયો છે.