ખંભાળિયામાં ભાજપના સ્થાપના દિને આવતીકાલે જિલ્લા ભાજપ કાર્યાલયનું ભૂમિ પૂજન થશે

રૂ.પાંચેક કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ થશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ થયાને નવ વર્ષ જેટલો સમય થયો છે. વર્ષ 2013 થી અલગ અસ્તિત્વમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા ભાજપનું કાર્યાલય હાલ અત્રે નવાપરા ખાતે ભાડાના મકાનમાં કાર્યરત છે. હવે આશરે રૂપિયા પાંચેક કરોડના ખર્ચે જિલ્લા ભાજપના નવા અને પાર્ટીના સ્વતંત્ર કાર્યાલયનું ભૂમિ પૂજન આવતીકાલે બુધવારે ભાજપના સ્થાપના દિન નિમિત્તે યોજવામાં આવ્યું છે.

ખંભાળિયા નજીક દ્વારકા હાઈ-વે માર્ગ પર આવેલા હર્ષદપુર વિસ્તારમાં સરકારી આરામગૃહ પાસે આવેલી વિશાળ જગ્યા ખાતે આવતીકાલે બુધવારે ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે પ્રસંગે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, સંગઠનના પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, વિવિધ મોરચાના હોદેદારો તથા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા પ્રત્યેક કાર્યકરોને ઉપસ્થિત રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ તથા તેમની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આશરે સાત હજાર ફૂટ જેટલી જગ્યામાં કુલ રૂપિયા પાંચ કરોડ જેટલી રકમના ખર્ચે નિર્માણ થનારૂ આ જિલ્લા કાર્યાલય અન્ય જિલ્લા માટે પ્રેરણારૂપ બની રહે તેવું અદ્ભૂત અને ભવ્ય બનશે. આ માટે કાર્યકરો તથા દાતાઓનો સહયોગ પણ સાંપડી રહ્યો છે.