મીઠાપુર નજીક ટાટા કંપનીના કચરાના લીધે જમીનોમાં ખારાશ આવતા ખેડૂતોને હાલાકી

ખુલ્લી નાલી પેક કરાવવા અને સ્થાનિકોને રોજગારી આપવા માંગ

ભારતીય કિશાન સંઘ ઓખામંડળ તાલુકા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

દ્વારકા : ઓખા મંડળમાં વર્ષોથી ટાટા કંપની દ્વારા ઝેરી પ્રવાહીયુકત લિબળી એટલે કે કચરા નિકાલની વ્યવસ્થાના કારણે અનેક ગામડાઓની ખેતીની જમીનને નુકશાન તેમજ કંપની દ્વારા સ્થાનિકોને નોકરી મુદ્દે ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

દ્વારકા નજીક ટાટા કેમિકલ્સ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લી નાલીઓ દ્વારા ઝેરી પ્રવાહીયુકત લીબળી એટલે કે પ્રવાહી કચરાનો નિકાલ કરવામાં આવે છે. જેને કારણે અનેક ગામડાઓમાં જમીનમાં ખારાશ વધી છે અને હજુ પણ અમુક ગામડાઓમાં જમીનના તળ ખારા થતા જાય છે. જો આ નાલીને સીમેન્ટ-કોન્ક્રીટથી ઢાંકી દેવામાં આવે તો ખારાશનું પ્રમાણ ઘટી શકે તેવું ખેડૂતોનું માનવું છે. એટલે આજે ગઢેચી, હમુષર, પાડલી સહિતના ગામના ખેડૂતો એ ભારતીય કિશાન સંઘ તાલુકાના લેટરપેડમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

જળ જમીન બચાવવા અને સ્થાનિકોને નોકરીએ રાખી રોજગારી આપવાની માંગ સાથે આજે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આ આવેદનપત્ર આપ્યું છે. જો વહેલાસર સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો ખેડૂતો એ કોર્ટમાં જવા પણ ચીમકી ઉચ્ચારી છે .