ખંભાળિયામાં ભાજપ દ્વારા પાર્ટીના સક્રિય સદસ્યોનો કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી જવાહાર ચાવડા, પ્રભારીની ખાસ ઉપસ્થિતિ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતીય જનતા પાર્ટીના આજરોજ સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યયોને કાર્ડ વિતરણ કાર્યક્રમ ખંભાળિયાના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્ડ વિતરણ કાર્યક્રમના પ્રારંભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ખંભાળિયામાં ઘરના ઘર જેવી ખુશી સમાન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પાર્ટીનું કાર્યાલય શરૂ કરવા માટે પાર્ટીના સ્થાપના દિને ભૂમિ પૂજન અંગેની માહિતી આપી હતી. જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ રાજ્યમંત્રી મુળુભાઈ બેરાએ સક્રિય સદસ્યોના કાર્ડનું મહત્વ તથા પેજ સમિતિ કાર્ડ અને રાજ્યમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની સીટની સંખ્યા અંગે પ્રતિજ્ઞા લેવા આવવાનું કહ્યું હતું.

ભાજપના પ્રદેશ મંત્રી તથા રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્યએ તેમના વક્તવ્યમાં ભાજપની પ્રગતિ જનસંઘના સમયથી અત્યાર સુધીની પીઢ નેતાઓની વાતો યાદ કરાવી હતી. કાર્યાલયને જિલ્લાના કાર્યકરો માટે તેમણે મંદિર સમાન ગણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પ્રભારી તથા અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ સક્રિય સદસ્ય કાર્ડને દસ્તાવેજી પુરાવો ગણાવીને જૂનાગઢ આઝાદીની સ્મૃતિ વર્ણવી હતી. જિલ્લા કાર્યાલય માટે ઓછા ભાવે જમીનો આપનાર નકુમ પરિવારની ભાવનાને બિરદાવી હતી.

જન્મથી મરણ સુધી સરકાર સાથે રહે છે: જવાહર ચાવડા

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારી તંત્ર મોઢાની વાત ન સાંભળે. કાગળ હોવું જોઈએ. તે સક્રિય સદસ્ય કાર્ડ પુરવાર કરે છે. તેમ જણાવી બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી સરકાર તમામ રીતે લોકોની પડખે ઉભી છે. તેમ જણાવી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કર્યો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

લાઈવ પ્રસારણમાં મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરો જોડાયા

ખંભાળિયાના ટાઉન હોલ ખાતે ઊભા કરવામાં આવેલા વિશાળ પડદા સાથે ઉપસ્થિત સૌ સક્રિય સદસ્ય તથા આગેવાનો સુરત ખાતે યોજાયેલા લાઇવ પ્રસારણમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાયા હતા.

કાર્યક્રમમાં દ્વારકા જિલ્લાના દસેય મંડળના 11-11 સદસ્યોને સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સક્રિય સદસ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, રાવલના રસિકભાઈ થાનકી, ભાણવડના કનારાભાઈ, ઓખાના દિલીપભાઈ, વિગેરે જોડાયા હતા.

આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે કર્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, કિસાન મોરચાના પ્રમુખ સી.આર. જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, યોગેશભાઈ મોટાણી, લાલજીભાઈ ભુવા, ઇન્દ્રજીતસિંહ પરમાર, સંજયભાઈ નકુમ, કાનાભાઈ કરમુર, પ્રતાપભાઈ પિંડારિયા, જીગ્નેશભાઈ પરમાર, ભરતભાઈ ચાવડા, હિતેશભાઈ પિંડારિયા વિગેરે આગેવાનો હોદ્દેદારો તથા કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.