સલાયાની સરકારી હોસ્પિટલમાં દર્દી સાથે નર્સનું ગેરવર્તન : ફોન મારફત દર્દીની આરોગ્ય મંત્રીને રાવ

દર્દી દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી : નર્સ સામે કડક કાર્યવાહી કરવા માંગ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સરકારી આરોગ્ય કેન્દ્રમાં મહિલા દર્દી સાથે નર્સ દ્વારા ગેરવર્તન કરાયું હતું. આથી, દર્દીએ આરોગ્ય મંત્રીને ફોન દ્વારા ફરિયાદ કરી હતી.

સલાયા સરકારી રેફરલ હોસ્પિટલમાં સાંજે 8 વાગ્યા આસપાસ સલાયાના અસ્ફાબાનું અકબરઅલી શેખ તેની તબિયત સારી ન હોઈ દવા લેવા ગયેલ હતા. ત્યાં હાજર ડોકટર દ્વારા તેમને બાટલો ચડાવવાનું લખી આપ્યા બાદ ત્યાં ફરજ પર હાજર નર્સ દ્વારા ખુરશી ઉપર બેસાડી અને બાટલો ચડાવવા કહ્યું ત્યારે દર્દીની પરિસ્થિતિ સારી ના હોય, એમને બેડ ઉપર સુઈ અને બાટલો ચડાવવા વીનંતી કરેલ હતી. ત્યાં નર્સ દ્વારા દર્દીને અપશબ્દો કહી અને તેમની સાથે ગેરવર્તણૂક કરેલ તેમજ દર્દીના જણાવ્યા મુજબ નર્સે દર્દીને મહિલાને લાફો માર્યો હોવાની અરજીમાં ફરિયાદ કરેલ છે.

આ બાબતે દર્દી દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. તેમજ દર્દી મહિલાએ આરોગ્ય મંત્રી સાથે વાત કરી હાજર નર્સ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. આ બનાવ સમયે હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડતાં પોલીસ દ્વારા બંદોબસ્ત કરાયો હતો. દર્દી સાથે ગેરવર્તણૂક અને હાથાપાઈ કરવાની તપાસ પોલીસ દ્વારા કડક રીતે કરાશે એવી ખાતરી બાદ મહિલાએ સારવાર લેવાનું ચાલુ કરેલ હતું. આ બનાવનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં નર્સ દ્વારા હાથ ઉગામયો હોય એવું જણાય છે. આ બાબતે વધુ તપાસ સલાયા પોલીસ કરી રહેલ છે.