ખંભાળિયામાં રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનારા ભાજપના જિલ્લા કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું

સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભારતીય જનતા પાર્ટીના આજરોજ સ્થાપના દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લાના પાર્ટી કાર્યાલયનું ભૂમિ પૂજન રંગેચંગે કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના ઉચ્ચ નેતાઓ તથા મહાનુભવો સાથે સમગ્ર જિલ્લાના કાર્યકરો હોંશભેર જોડાયા હતા.

ખંભાળિયા શહેર નજીકના હર્ષદપુર વિસ્તારમાં સાત હજાર ફૂટ જેટલી વિશાળ જગ્યા પર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે તૈયાર થનારા ભવ્ય જિલ્લા કાર્યાલયના ભૂમિપુજન સમારોહનું આજરોજ સુંદર આયોજન જિલ્લા ભાજપના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ ભૂમિપૂજન પ્રસંગમાં ઉપસ્થિત સર્વેનું સ્વાગત પ્રવચન કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે જિલ્લામાં નિર્માણાધીન આ કાર્યાલય અંગેની જાણકારી તથા જિલ્લા કાર્યાલય બનાવવામાં સહયોગી થનાર તમામની વિગત તેમની આગવી શૈલીમાં આપી હતી. આ ઉપરાંત જિલ્લાના પ્રભારી પ્રદિપભાઈ ખીમાણીએ જિલ્લા ભાજપ કાર્યાલયના આ સુંદર આયોજન તેમજ તેમાં સુવિધાઓ વિગેરેને વખાણી, વિવિધ રીતે સહયોગ આપનારા કાર્યકરો-આગેવાનોની જાહેર પ્રશંસા કરી હતી. આ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેમજ તેમના પ્રભારી સમયના કાર્યો અંગે ઉપરાંત જિલ્લા ભાજપ કાર્યાલયના નિર્માણના ભવ્ય આયોજનને પ્રેરણારૂપ ગણાવી, બિરદાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા ગુજરાત ભાજપના મહામંત્રી તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજરોજ ભાજપના સ્થાપના દિને દ્વારકા જિલ્લા ભાજપના રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ ભવ્ય કાર્યાલયના ભૂમિપૂજન અંગેની પ્રશંસા કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાર્ટીની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવ્યા હતા. સાથે-સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમની આ સમગ્ર કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત વિવિધ મુદ્દે છણાવટ સાથે પ્રેરક પ્રવચન આપ્યું હતું.

ભૂમિપૂજનના સ્થળે વિશાળ સ્ક્રીન સાથે ઉપસ્થિત જિલ્લાના કાર્યકરોએ વડાપ્રધાન મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ અન્ય નેતાઓના વક્તવ્યમાં લાઈવ જોડાયા હતા. આ સ્થળે કેસરી ટોપી અને ખેસ સાથે સર્વત્ર કેસરિયો રંગ છવાઈ ગયો હતો.

ખંભાળિયા નજીક હર્ષદપુર વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આશરે સાત હજાર ફૂટ જેટલી જગ્યામાં શાસ્ત્રોક્ત વિધિથી જિલ્લા ભાજપના આ કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશ મેરજા, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય ભાજપના મહામંત્રી બીનાબેન આચાર્ય, પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર વિગેરે આગેવાનો સાથે રહ્યા હતા.

ભૂમિપૂજનના આ સુંદર કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી તથા યુવરાજસિંહ વાઢેર દ્વારા જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ પડદા પર જિલ્લાના ભવનનું પ્લાનિંગ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે કર્યું હતું.

આ સમગ્ર આયોજનમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, કિશોરસિંહ જાડેજા, ભાવનાબેન પરમાર, પ્રભાત કાળુભાઈ ચાવડા, જગુભાઈ રાયચુરા, જયેશ ગોકાણી, દીપેશ ગોકાણી, વનરાજસિંહ વાઢેર, નીમિષાબેન નકુમ, હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, કુંદનબેન આરંભડીયા, હાર્દિક મોટાણી સહિતના આગેવાનો- કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.