ખંભાળિયામાં ભાજપના જિલ્લા કાર્યાલય માટે પક્ષના આગેવાનો, કાર્યકરો દ્વારા નોંધપાત્ર સહયોગ

ત્રણ દિવસમાં રૂપિયા એક કરોડનો ફાળો એકત્ર થયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલય બનાવવા માટેનો નિર્ણય કરાયા બાદ હાથ ધરવામાં આવેલી કામગીરીમાં જિલ્લાના સ્થાનિક આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે.

જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભાજપનું હાલ જિલ્લા કાર્યાલય ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત હોય, અહીં પાર્ટીનું સ્વતંત્ર અને વ્યવસ્થિત કાર્યાલય બની રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, હોદ્દેદારો દ્વારા નક્કી કરાયા બાદ અત્રે દ્વારકા હાઈવે માર્ગ પર હર્ષદપુર વિસ્તારમાં સાત હજાર ફૂટની વિશાળ જગ્યા પર આ કાર્યાલય બનાવવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. જે અંગેનું ભૂમિ પૂજન આજરોજ ભવ્ય રીતે થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન આ કાર્યાલય માટે પાર્ટીના કાર્યકરો તથા અગ્રણીઓને સહાય માટે કરવામાં આવેલી અપીલને પાર્ટીના કાર્યકરોએ વધાવી હતી અને છેલ્લા ત્રણ જ દિવસમાં રૂપિયા એક કરોડ જેટલી નોંધપાત્ર રકમ એકત્ર થવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય માટે જિલ્લાના એક જ આગેવાન દ્વારા તમામ ખર્ચની ભોગવવાની તૈયારી દર્શાવ્યા છતાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા દરેક કાર્યકર કંઈકને કંઈક યોગદાન આપે અને ભાજપના આ ભવ્ય કાર્યાલયમાં નિર્માણમાં તેમનો પણ કંઈક ફાળો હોવાનું ગૌરવ અનુભવે તે માટે આ સહાય લઈને કાર્યાલય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. તેને પાર્ટીના કાર્યકરો દ્વારા સમર્થન સાંપડયું છે. તાજેતરમાં ખંભાળિયામાં આ અંગે યોજવામાં આવેલી બેઠકમાં અહીંના આગેવાન અને હોદ્દેદાર જગુભાઈ રાયચુરા દ્વારા રૂ. એક લાખના નોંધપાત્ર ફાળા સાથે અન્ય કાર્યકરોએ પણ મોટી રકમની સહાય આપી છે.