108ની ટીમ દ્વારા આંબલામાં રહેતી સગર્ભાની તાકીદની પ્રસુતિ સફળતાપૂર્વક કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈમરજન્સી 108 વાન દ્વારા આપવામાં આવતી તાકીદની સેવા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે રહેતા અસ્મિતાબેન જુબેરભાઈ નામના સગર્ભા મહિલાને ગત સાંજે પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને જાખર પાટીયા 108 ની ટીમ તાકીદે મોટા આંબલા ગામે પહોંચી હતી. જ્યાં મહિલાને નવ માસનો સમય પૂર્ણ થયો હોવાથી પ્રસુતિનો દુખાવો ઉપડતા આ બાબતને ગંભીરતાથી લઈને મહિલાને હોસ્પિટલે લઈ જવાના બદલે 108ના ઈ.એમ.ટી. કેવલબેન વાઘેલા તથા પાયલોટ મયુર માવદીયા દ્વારા આ મહિલાની પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી હતી.

નોર્મલ ડિલિવરી સાથે બાળકને ગળામાં ફરતે નાળ વીંટળાયેલી હોવા છતાં પણ 108 ના સ્ટાફ દ્વારા સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવ્યા બાદ માતા તથા પુત્રને સહી સલામત રીતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. 108 ના સ્ટાફની આ સેવા પ્રવૃત્તિએ સગર્ભા મહિલાના પરિવારજનોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરાવી છે.