કલ્યાણપુર પંથકમાં મહિલા અને બાળ વિકાસ યોજના અંગેની માહિતીનો પ્રચાર-પ્રસાર કરાયો

( કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મહિલાઓ તેમજ બાળકો અંગેની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી તથા પ્રચાર-પ્રસાર અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ગઈકાલે ગુરૂવારે યોજવામાં આવેલી એક મિટિંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પ્રફુલભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સર્વે તલાટીઓ તથા કર્મચારીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ ઉપરાંત કાર્યરત કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરીના વિરભદ્રસિંહ ગોહિલ, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના જિલ્લાના કન્વીનર પાયલબેન કે. પરમાર સાથે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દિવ્યાબેન બારોટ, કેશવર્કર અમીતાબેન ગાગીયા વિગેરે દ્વારા આ કામગીરી અંતર્ગત યોજનાકીય માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે કલ્યાણપુર તાલુકામાં આવેલા વિવિધ આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળામાં પણ યોજનાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી.