ખંભાળિયામાં કોટેચા પરિવાર દ્વારા કાલે શનિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

તા. 15 એપ્રિલ સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં ઠા. અમરશી ઓધવજીભાઈ કોટેચા (રાવલ વાળા) પરિવાર દ્વારા શનિવાર તારીખ 9 એપ્રિલથી શુક્રવાર તારીખ 15 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ભાગવત સપ્તાહ પ્રારંભે આવતીકાલે શનિવારે બપોરે પોથીયાત્રા, સોમવારે નૃસિંહ પ્રાગટ્ય તથા વામન જન્મ ઉત્સવ, મંગળવારે શ્રી રામ જન્મોત્સવ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ, બુધવારે શ્રી ગોવર્ધન લીલા, ગુરુવારે શ્રી કૃષ્ણ તથા રૂક્ષ્મણી વિવાહ બાદ શુક્રવારે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આ પ્રસંગે રવિવાર તારીખ 10ના રોજ રાત્રે બાલનાથ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ તથા બુધવાર તા. 13 એપ્રિલના રોજ રાત્રે સાડા નવ વાગ્યે જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાખીના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં વ્યાસાસને જાણીતા કથાકાર હાલ સુરત નિવાસી શાસ્ત્રી જીતેશભાઈ શુક્લ કથામૃતનું રસપાન કરાવશે.

અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહ પ્રસંગમાં ધર્મપ્રેમી જનતાને સવારે સાડા નવથી બાર તથા સાંજે સાડા ત્રણથી છ સુધી કથા શ્રવણ સહિતનો ધર્મલાભ લેવા આયોજક કોટેચા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.