રામનવમી પર્વે રાષ્ટ્રપતિ કરશે જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન

ઝેડ પ્લસ સુરક્ષા સાથે 975 સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળામાં આવતીકાલે તા. 10મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. આ સાથે રાષ્ટ્રપતિ રામનવમી પર્વે જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારે તેઓ માટે ઝેડ પ્લસ સુરક્ષા સાથે 975 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે રામનવમી નિમિત્તે કાળિયા ઠાકોરના દર્શન કરવા દેવભૂમિ દ્વારકા ખાતે આવનાર છે. તેઓ જગતમંદિરમાં બપોરનાં સમયે ઉત્સવ દર્શન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાનાથના દર્શન કરી સર્કિટ હાઉસ ખાતે ભોજન લઇ શકે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દ્વારકા મુલાકાત નિમિત્તે હેલિપેડથી જગતમંદિર અને સર્કિટ હાઉસ સુધી તેઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 2 એસ.પી., 6 ડીવાય.એસ.પી., 15 પી.આઇ., 40 પી.એસ.આઈ., 525 જેટલા પોલીસકર્મીઓ સાથે કુલ 975 જેટલાં સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે. તેમજ તેઓ એ જ દિવસે દ્વારકાથી માધવપુર જવા રવાના થશે.