ભાણવડ-પોરબંદર વચ્ચે ૧૪ એપ્રિલથી બે અનરિઝર્વ્ડ ડેઈલી પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી પોરબંદર વચ્ચે આગામી તા. 14 એપ્રિલથી બે અનરિઝર્વ્ડ ડેઈલી પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર ડિવિઝનના ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે તા. 14મી થી બે અનારક્ષિત દૈનિક મુસાફર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ કોચના ભાડા જેટલું હશે. આ ટ્રેનોની વિગતો મુજબ ટ્રેન નંબર 09549/09550 ભાણવડ – પોરબંદર – ભાણવડ ટ્રેન નંબર 09550 (પોરબંદર – ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ સવારે 6 વાગ્યે ઉપડશે અને સવારે 7:35 વાગ્યે ભાણવડ સ્ટેશન પહોંચશે. આ જ રીતે, વળતી દિશામાં ટ્રેન નં. 09549 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી દરરોજ સવારે 8 વાગ્યે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 9:50 વાગ્યે પહોંચશે.

જ્યારે ટ્રેન નંબર 09551/09552 ભાણવડ – પોરબંદર – ભાણવડ ટ્રેન નંબર 09552 (પોરબંદર – ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ સાંજે 7 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:10 વાગ્યે ભાણવડ સ્ટેશન પહોંચશે. આ જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09551 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી રાત્રે 9:30 વાગ્યે ઉપડશે અને 10:55 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.

આ ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, રાણાબોરડી, શખપુર, તરસઈ અને વાંસજળીયા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09549 ભાણવડ – પોરબંદર સવારે ભાણવડથી પોરબંદર જતી વખતે અને ટ્રેન નંબર 09552 પોરબંદર – ભાણવડ સાંજે પોરબંદરથી ભાણવડ જતી વખતે જશાપર સ્ટેશને ઉભી રહેશે.