‘ખંભાળિયાની ઘી નદી માટે નુકશાનકર્તા ગાંડી વેલનો નિકાલ કરાશે

રૂ. દસ લાખના ખામનાથ ચેક ડેમ પરના દરવાજા તથા દીવાલ બનાવાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી અને અનેક જળસ્રોતો માટે આશીર્વાદરૂપ ઘી નદીમાં છેલ્લા ઘણા સમયથી ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયું છે. જેનો નિકાલ કરી, ખામનાથ ચેકડેમને સાબૂત રાખવા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોને સાંકળતી ઘી નદી કે જે ખામનાથ મંદિરથી આગળ સુઘી જાય છે, આ ઘી નદીના પાણી આ વિસ્તારના બોર-કૂવાઓને સજીવન રાખે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ નદીમાં ભયંકર માત્રામાં ગાંડી વેલ ઉગી નીકળતા તેના કારણે નદીનું પાણી દૂષિત તથા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

આ અંગે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતોને ધ્યાને લઇ, પાલિકાના ચીફ ઓફિસર, હોદ્દેદારો, સેનેટરી ઇન્સ્પેકટર તથા વોટર વકર્સ ઇજનેર વિગેરે દ્વારા આ માટેના ટેન્ડર અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ નદીમાંથી ગાંડી વેલને જડમૂળથી દુર કરવા માટેના ટેન્ડરની મંજૂરીની પ્રક્રિયા સંપન્ન થઇ ગયા બાદ આ નદીમાંથી ગાંડી વેલ સંપૂર્ણપણે નાબૂદ કરી અને તેનો નિકાલ કરવાનું આયોજન થઈ ગયું છે.

આ ઉપરાંત આ નદીના વિસ્તાર એવા ખામનાથ નદીના ચેક ડેમના દરવાજા કે જે વર્ષોથી તદ્દન સડી ગયેલી હાલતમાં હોવાને કારણે આ દરવાજા ખોલવા તથા બંધ કરવાની સિસ્ટમ પણ ફેલ થઈ ગઈ હોવાથી નગરપાલિકાના આગામી વર્ષના અંદાજપત્રમાં આ તમામ દરવાજા અને તેની દિવાલ માટે રૂપિયા દસ લાખની ફાળવણી કરવામાં આવી છે. જેના અનુસંધાને નવા અને અદ્યતન ટેકનોલોજી સાથે પાણી ભરવા તથા છોળવા માટે ખોલ-બંધ થાય તેવા દરવાજા ફીટ કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ માટે પાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે