ખંભાળિયાના કેશોદના લશ્કરી જવાનનું ફરજ દરમિયાન અકસ્માતે ગોળી લાગતા મૃત્યુ

ખંભાળિયા પંથકમાં ભારે શોક: ગાર્ડ ઓફ ઓનર અપાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક આહિર યુવાનનું ગઇકાલે ગોળીના મિસ ફાયર થવાના કારણે મૃત્યુ નિપજ્યાનો બનાવ બન્યો છે.

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા કરસનભાઈ કે. આંબલીયા નામના આ યુવાન હાલ રાજસ્થાન બી.એસ.એફ. ખાતે હથિયાર વિભાગમાં ફરજ બજાવતા હતા. ગઈકાલે રવિવારે તેઓ તેમની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે બંદૂકની ગોળીનું મિસ ફાયર થઈ જતાં ગોળી તેમના શરીરમાં ઘૂસી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બાદ કરસનભાઈ આંબલીયાના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ સવારે 10 વાગ્યે લશ્કરી જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રધ્વજ ઓઢાડીને કેશોદ ગામે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કેશોદ ઉપરાંત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કરવા બનાવના પગલે સમગ્ર કેશોદ ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.

મૃતક કરસનભાઈ આંબલીયા છેલ્લા અઢાર વર્ષથી મિલ્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બે પુત્રીઓના પિતા એવા કરશનભાઈ આંબલીયા થોડા સમય પૂર્વે જ નિવૃત્ત થવાના હતા. પરંતુ કોરોનાના કારણે નોકરીનો સમય લંબાયો હતો. તેમના અકાળે મૃત્યુના આ બનાવે આહીર સમાજ સાથે સમગ્ર પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.