રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ખંભાળિયાના વૈષ્ણવો આવતીકાલે માધવપુર જશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : માધવપુર (ઘેડ)માં ગઈકાલે રવિવારથી રૂક્ષ્મણી વિવાહના શુભ પ્રસંગો પ્રારંભ થયો છે. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમનો પ્રારંભ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં માધવપુર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગૃહમંત્રી સહિતના અનેક મહાનુભાવો સામેલ થયા હતા.

માધવપુર લોકમેળામાં મુખ્ય પ્રસંગ રૂક્ષ્મણી વિવાહનો છે. જે પવિત્ર અગિયારસ નિમિત્તે યોજવામાં આવે છે. મંગળવાર તારીખ 12 એપ્રિલના રોજ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં જવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વૈષ્ણવો, ભાવિકો જોડાયા તે માટે તાજેતરમાં જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ સેવા કુંજના હવેલીના અધિકારી, ચેમ્બરના મંત્રી, અગ્રણી ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા, નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, વિગેરે સાથે યોજાઈ ગયેલી મિટિંગમાં નક્કી થયા મુજબ આવતીકાલે મંગળવાર તારીખ 12 ના રોજ બપોરે અઢી વાગ્યે અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવા કુંજ હવેલીથી 2 બસમાં અહીંના વૈષ્ણવ માધવપુર જવા માટે રવાના થશે.

રૂક્ષ્મણી વિવાહના આ કાર્યક્રમમાં નિઃશુલ્ક જવા યોજાયેલા આયોજન માટે સુભાષભાઈ પોપટ, ભારતીબેન કોટેચા તેમજ સેવા કુંજ હવેલીનો સંપર્ક સાધવા તથા પોતાના નામની નોંધણી કરાવી જવા એક યાદીમાં જણાવાયું છે.