ખંભાળિયા પાલિકામાં પાણી વિતરિત થતી ટેન્કોને વિનામૂલ્યે રંગરોગાન કરાયા

ખાનગી કંપનીના સહયોગથી પાલિકાને રૂપિયા દસેક લાખનો ખર્ચ બચ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં પાણી વિતરણ કરવા માટે જુદા-જુદા વિસ્તારોના ઓવરહેડ ટેન્ક સહિતની પાણીની ટાંકીઓ આવેલી છે. જેને એક ખાનગી કંપનીના સહયોગથી વિનામૂલ્યે કલર કામ કરાવી આપવામાં આવતા પાલિકાને નોંધપાત્ર રકમનો ફાયદો થયો છે.

ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની પાણી પુરવઠા યોજના હેઠળની નવી તથા જૂની પાણીની ટાંકીઓ કે જે અહીંના પોર ગેઈટ, કોર્ટ નજીક, ઘી નદી પાસે, જડેશ્વર વિસ્તારમાં વિગેરે સ્થળોએ આવેલી છે. આશરે અડધો ડઝન જેટલી નાની-મોટી પાણીની ટેન્કને વર્ષોથી કલર કામ કરાયું નથી.

આ માટે પાલિકા તંત્ર દ્વારા હોદ્દેદારો સાથે સંકલન બાદ એક ખાનગી કંપનીનો સંપર્ક કરી, આ તમામ ટેન્કનું વ્યવસ્થિત રીતે રંગરોગાન કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીના સંપૂર્ણ આર્થિક સહયોગથી રંગવામાં આવેલી આ ટાંકીઓ હાલ આકર્ષક દેખાવ સાથે તેનું આયુષ્ય પણ વધી ગયું છે.

આમ, પાલિકાની લોકભાગીદારીથી પાલિકા અને સરકારના આશરે રૂપિયા દસેક લાખ જેટલી નોંધપાત્ર રકમનો બચાવ થયો છે.