ખંભાળિયામાં ઓનલાઈન કંપની સાથે છેતરપિંડી કરવા સબબ કંપની, કર્મચારી સહિત પાંચ સામે ફરિયાદ

ઓનલાઈન સામાન મંગાવી, નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ પરત કરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા સ્થિત ઓનલાઇન કંપનીના કર્મચારીએ કેશ ઓન ડિલિવરી મંગાવી અને ત્યારબાદ નબળી વસ્તુ પેક કરી, પરત મોકલીને આચરવામાં આવેલા કૌભાંડમાં આ કર્મચારી સહિત કુલ પાંચ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ ખાતે રહેતા અને ઇન્સ્ટાકાર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારી તરીકે ફરજ બજાવતા ભાણવડના રહીશ તન્વીબેન અતુલભાઈ મોઢવાડિયાએ ખંભાળિયા પોલીસ મથકમાં અહીંના પાર્થ અશોકભાઈ લાઠીયા ઉપરાંત મોબાઈલ નંબર 7574870212, 7573983153, 8238661272, અને 7984759592 ધરાવતી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી તન્વીબેન સાથે તેમની કંપનીમાં નોકરી કરતા પાર્થ લાઠીયાની જવાબદારી ફ્લિપકાર્ટ કંપની દ્વારા ગ્રાહકોને ચીજવસ્તુ આપવા માટેની સોંપવામાં આવી છે. પરંતુ તેના દ્વારા ઉપરોક્ત ચાર અલગ-અલગ મોબાઈલ નંબર ધરાવતા આસામીઓ સાથે મળી અને તાજેતરમાં ધુળેટીના દિવસે ઓફિસમાં રજા હોવા છતાં પણ જુદા-જુદા ચાર પાર્સલોની ડીલેવરી કરવાના બદલે તા. 18 માર્ચના પોતાની બેગમાં સાથે લઈ ગયો હતો અને બીજા દિવસે તારીખ 19 માર્ચના રોજ આ ચાર પાર્સલ પરત લઇ ને તેણે ઓફિસમાં મૂકી દીધા હતા. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો.

આ વચ્ચે આગલા દિવસે લઈ ગયેલા પાર્સલોના ઓર્ડરો કેન્સલ કરવાની ગ્રાહકો દ્વારા સુચના આપવામાં આવતા કંપનીના સિનિયર ટીમ લીડર પ્રશાંતભાઈ રાજેશભાઈ સોલંકી આ ચાર પાર્સલ ચેક કરતા કંપની દ્વારા મોકલવામાં આવેલા સામાનના બદલે નબળી ગુણવત્તાવારો અન્ય સમાન આ પાર્સલમાં જોવા મળ્યો હતો.

આમ, કંપનીના કર્મચારી પાર્થ લાઠીયા તથા ઉપરોક્ત ચાર મોબાઈલ નંબર ધરાવતા શખ્સો દ્વારા મીલીભગત કરીને કંપનીમાંથી મંગાવેલ મોંઘા જીન્સ પેન્ટ, મિક્સર જ્યુસર, બેબી કેર કલોથ સેટ, રે-બેન કંપનીના કીમતી ચશ્મા, મોબાઇલ ફોન, નાઈક કંપનીના શુઝ, સહિતની જુદી જુદી ઓરીજનલ ચીજ વસ્તુઓ કાઢી અને પાર્સલમાં તેમના દ્વારા નબળી ક્વોલિટીની વસ્તુઓ પેક કરી કંપનીમાં પાર્સલ પરત મોકલાવી આપતા કંપનીને રૂપિયા 83,028 નો ચૂનો ચોપડવાના આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આમ, કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા સબબ ખંભાળિયા પોલીસે પર્થ લાઠીયા ઉપરાંત ઉપરોક્ત મોબાઈલ નંબર ધારકો સામે આઈ.પી.સી. કલમ 406, 407, 408, 420 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.