કલ્યાણપુરના રાવલ નજીક સાની ડેમના ગોકળગતિએ ચાલતા કામથી ખેડૂતો અકળાયા

સાની ડેમનું સમારકામ ચાલુ કરી તાકીદે પૂર્ણ કરવા ખેડૂતો અને આગેવાનોનું મામલતદારને આવેદન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાવલ ખાતે ચાલતા સાની ડેમના ગોકળગતિએ ચાલતા કામથી લોકો અકળાયા ગયા છે. આથી, ખેડૂતો અને પાલભાઈ આંબલીયા, મુળુભાઈ કંડોરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ મામલતદાર કચેરી, કલ્યાણપુર ખાતે આવેદનપત્ર પાઠવી સાની ડેમની કામગીરી જલ્દીથી પાર પાડવા રજૂઆત કરી છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ખાતે ચાલતા સાની ડેમનું સમારકામ તુરંત ચાલુ કરી તાકીદે પૂર્ણ કરવા બાબતે અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર ગામ પાસે આવેલ સાની ડેમનો મુખ્ય દરવાજો જર્જરિત અવસ્થામાં હોવાને લીધે ઘણા સમય પહેલા મુખ્ય દરવાજાનું કામ મંજૂર કરી શરૂ કરવામાં માટે જરૂરી કાટમાળ અને પાયાનું ખોદાણ લાંબા સમય પહેલા શરૂ કર્યું હતું. જેના કારણે છેલ્લા બે ચોમાસાનું પાણી આ ડેમમાં ભરી શકાયેલ નથી.

કલ્યાણપુર તાલુકા અને ઓખામંડળ તાલુકા માટે સાની ડેમ એ પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે. ઓછા વરસાદે પણ આ ડેમમાં પાણીનો સંગ્રહ થાય છે. પરિણામે કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાક નિષ્ફળ ન થાય તે માટે સાની ડેમના આર.સી.સી.નું કામ સત્વરે થાય અને ચોમાસા પહેલા પૂરું થાય તે માટે ખેડૂતોની માંગણી છે તેના માટે ગામના ખેડૂતોએ કલ્યાણપુર ખાતે આવેદનપત્ર પણ પાઠવેલ છે.

જો સરકાર દ્વારા આ કામ ૧ જૂન સુધી કરવામાં નહિ આવે તો ખેડૂતો પોતાના સ્વખર્ચે ફાળો ભેગો કરી ખેડૂત હિત રક્ષક સમિતિ હેઠળ સાની ડેમનું કાર્ય પૂરું કરશે તેના માટેનું આવેદન મામલતદારને આપ્યું છે. જેમાં પાલાભાઈ આંબલીયા, મુળુભાઈ કંડોરિયા તથા મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનોએ સાની ડેમનું કાર્ય સત્વરે શરૂ કરી ચોમાસા પહેલા પૂરું કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.