ખંભાળિયામાં લાયન્સ કલબ દ્વારા કીટ વિતરણ સમારોહ યોજાયો

સાંસદ પરિમલભાઈ નથવાણીનો સહયોગ સાંપડ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના આર્થિક સહયોગથી, સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જરૂરીયાતમંદ પરીવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના હોદ્દેદારો કાર્યકરો તેમજ મહેમાનો સાથે લાભાર્થી પરિવારોને લાયન્સ ક્લબના પ્રમુખ મનસુખભાઈ નકુમે આવકારી દાતા પરિવારની લાગણીને બિરદાવી હતી. આ કેમ્પમાં 70 જેટલા પરિવારોએ આ કીટનો લાભ લઇ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ આયોજન માટેની તમામ વ્યવસ્થા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વાળા) એ ઉપલબ્ધ કરાવી હતી. લાયન્સ ક્લબના સેક્રેટરી મિલનભાઈ સાયાણીએ પરિમલભાઈ નથવાણી પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, નિયમિત રીતે તેઓના પરિવાર તરફથી સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ મળે છે તે બદલ ઋણ સ્વીકાર કર્યો હતો. આ સેવા પ્રવૃત્તિમાં ક્લબના હોદ્દેદારો- કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.