ચોમાસા પહેલા સાની ડેમનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરાવવા પૂર્વ ધારાસભ્ય મેદાને

પૂર્વ ધારાસભ્યે કલ્યાણપુરનાં આગેવાનોને સાથે રાખીને સાની ડેમની મુલાકાત લીધી અને પત્ર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા અને કલ્યાણપુર તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમનું રિપેરીંગ કામ તાત્કાલીક પૂર્ણ થાય તે માટે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી.

કલ્યાણપુર તાલુકાનાં આગેવાનોને સાથે રાખીને સાની ડેમની પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક એ મુલાકાત લીધી હતી. ત્રણ વર્ષથી તુટેલા ડેમનું કામ ધીમી ગતિએ ચાલે છે, તેને ઝડપથી પૂર્ણ કરાવવા અનુરોધ કરાયો છે. સાની ડેમ બન્ને તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતું આ વિસ્તારનો એક માત્ર મોટો ડેમ છે, જો ચોમાસા પહેલા આ રિપેરીંગ થાય તો વરસાદી પાણી સંગ્રહ થઈ શકે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા એમ બંને તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમ આવેલ છે. આ સાની ડેમનું પાણી બંને તાલુકાના લોકોને પીવા માટે ઉપયોગમાં લેવાય છે અને ખેતીમાં પણ આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે ત્યારે આ બંને તાલુકા માટે આ ડેમની મહત્તા ખૂબ જ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ડેમ તૂટી ગયેલી હાલતમાં હોય, વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. વળી આ બંને તાલુકામાં કોઈ મોટો ડેમ આવેલ નથી. જેથી કરીને બંને તાલુકાની પ્રજાને પીવાનું પાણી બહારથી લઇ આવવામાં આવે છે. વળી આ બંને તાલુકામાં જળ તળ પણ બહુ સારા ન હોવાથી સાની ડેમના પાણીનું મહત્વ ખુબ જ છે.

ત્રણ વર્ષથી તૂટેલા આ ડેમનું રિપેરિંગ કાર્ય તો ચાલુ છે પરંતુ કામની ગતિ ખૂબ ધીમી હોય અને તાલુકાની પ્રજાએ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરેલ હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક એ કલ્યાણપુર તાલુકાના રાજકીય આગેવાનોને સાથે રાખીને સાની ડેમની મુલાકાત લીધેલ હતી અને આ અંગે લોકોપયોગી સાની ડેમનું રીપેરીંગ કામ ઝડપથી કરવામાં આવે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. જો ચોમાસા પહેલા સાની ડેમનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવે તો ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે અને બન્ને તાલુકાના લોકોનો પાણીપ્રશ્ન અને ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન પૂર્ણ થઈ શકે.