ખંભાળિયામાં આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે ભવ્ય બાઇક રેલી યોજાઇ: ઠેરઠેર સ્વાગત

સાંસદ પૂનમબેન માડમ રેલીમાં ઘોડા પર બેસીને જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત રાજ્ય યુવા ભાજપ મોરચા દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 150 બાઈક સવારો તથા કારના વિશાળ કાફલા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય બાઇક રેલી ગઈકાલે બુધવારે બપોરે ખંભાળિયા આવી પહોંચી હતી. ખંભાળિયાના પાદરમાં પ્રવેશતા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી ખંભાળિયાના જુદા જુદા માર્ગો પર ફરી હતી.

અત્રે નગર ગેઈટ પાસે આ રેલી પહોંચતા શહેર ભાજપ દ્વારા ભવ્ય આવકાર સાથે હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ આ બાઇક રેલીમાં ઘોડા પર સવાર થઈને જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યના યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા, વિગેરે નેતાઓ સાથે સ્થાનિક આગેવાનો- કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે રેલીનો હેતુ તથા દેશમાં યુવાઓના મહત્વને સમજાવ્યું હતું.