ખંભાળિયામાં ગીરીરાજ ઉત્સવની ભવ્ય ઉજવણી: શ્રીનાથજીની ઝાખીમાં ભક્તો તરબોળ થયા

કોટેચા પરિવારની ભાગવત સપ્તાહમાં ધર્મમય માહોલ છવાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં ભક્તિસભર માહોલ વચ્ચે નવી લોહાણા મહાજન વાડી ખાતે ચાલી રહેલી સપ્તાહનો અલભ્ય લાભ દરરોજ સેંકડોની સંખ્યામાં શ્રોતાઓ લઈ રહ્યા છે. ગત્ તા. 9 એપ્રિલથી શરૂ થયેલી આ કથામાં દરરોજ વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો તથા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો લાભ અને પુણ્યનું ભાથું બાંધે છે.

સુવિખ્યાત કથાકાર શાસ્ત્રી જીતેશભાઈ શુક્લના સુમધુર કંઠે કથામૃત સાથે ગત સાંજે ગીરીરાજ ઉત્સવનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોશની સભર માહોલમાં ગિરાજજીના તાદશ્ય દર્શનની અનુભૂતિ લોકોએ કરી હતી. આ સાથે અન્નકૂટના દર્શન પણ યોજવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કથા સ્થળે ગત રાત્રે અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ પરિવાર દ્વારા આયોજિત શ્રીનાથજીની ઝાખી કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. રાવલ દ્વારા ઠા. અમરસી ઓધવજી કોટેચા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહના પ્રારંભથી લાઈવ ટેલીકાસ્ટ મારફતે અનેક ભક્તજનો આ ધર્મોત્સવનો લાભ લઇ રહ્યા છે, ત્યારે આવતીકાલે શુક્રવારે બપોરે આ ભાગવત કથાનો વિરામ થશે.