દેવભૂમિ દ્વારકામાં ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ) પરીક્ષા તા.18 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરી ડામવા માટે દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાનીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના પરીક્ષાના તમામ કેન્દ્રોની આજૂબાજૂના વિસ્તારમાં ઝેરોક્ષ-ફોટોકોપી થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીઓએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજકેટની પરીક્ષ પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રો ખંભાળિયામાં આદર્શ ઈગ્‍લીશ મિડીયમ સ્‍કુલ, તથા એસ.એન.ડી.ટી. હાઇસ્‍કુલની આજુબાજુના 100 મીટરની વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી-અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના)કોપીયર મશીન ધારકોને તા. 18 ના રોજ સવારે 9 થી સાંજે સાડા ચાર સુધી તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.