ભારતમાં આજની તારીખે એકવીસ તોપોની સલામી સાથે પ્રથમ વાર દોડી હતી પેસેન્જર ટ્રેન

ભારતમાં 16 એપ્રિલ, 1853ના દિવસે 14 ડબ્બા, 3 એન્જિન સાથે મુંબઈ થાણે વચ્ચે રેલવે પેસેન્જર સેવાનો પ્રારંભ
જાણો.. વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકી એક એવા ભારતીય રેલવેનો ઇતિહાસ અને તેના વિષે અવનવું

16 એપ્રિલ, 1853 ને શનિવાર એટલે એશિયાની પ્રથમ રેલવે પેસેન્જર ટ્રેન સેવાનો આરંભ અને હિંદુસ્તાનના રેલવે વ્યવહારના આરંભનો ઐતિહાસિક દિન. તે દિવસે હિંદુસ્તાનની જ નહીં, સમગ્ર એશિયાની પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવા શરૂ થઇ હતી. ભારતમાં સૌ પ્રથમવાર 16 એપ્રિલ, 1853ના દિવસે 14 ડબ્બા, 3 એન્જિન સાથે મુંબઈ થાણે વચ્ચે રેલવે પેસેન્જર સેવાનો પ્રારંભ થયો હતો. આ એન્જિનનુ નામ સાહેબ, સુલતાન અને સિંઘ હતું.

દેશમાં રેલવેનો વિકાસ સમય અને ટેકનોલોજીના આધારે થતો રહ્યો છે. રેલવે ભારતના કરોડરજ્જુ સમાન છે. આજના સમયમાં રેલવે એક સ્થળથી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન બન્યું છે. રેલવેના કારણે નાગરિકો આરામદાયક અને સલામતરીતે હરી ફરી શકે છે. વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીના એક તરીકે ભારતીય રેલવે નેટવર્કને ગણવામાં આવે છે.

ભારતીય રેલવે વિષે અવનવું

7500 સ્ટેશન અને 65000 કિલોમીટરના રૂટ ઉપર 1,15,000 કિલોમીટરનું રેલવે નેટવર્ક છે. વાર્ષિક આધાર પર લગભગ નવ અબજથી વધુ લોકો ભારતીય રેલવેમાં યાત્રા કરે છે. ભારતીય રેલવેમાં મલ્ટીગેજ નેટવર્ક છે.

રેલવેએ સંરક્ષણ સામગ્રીને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રેલવેમાં હાલ 13 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ભારતીય રેલવેમાં ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા લોકો દરરોજ મુસાફરી કરે છે.

ભારતની પહેલી પેસેન્જર ટ્રેને ઈ.સ. 1853માં બોરી બંદરથી ઠાણે થાણે સફર કરી હતી. આ ટ્રેનમાં 14 બોગીઓમાં 400 યાત્રીઓએ 40 કિ.મી.નું અંતર 1 કલાક અને 15 મિનિટમાં પુરૂ કર્યુ હતું.

તમે જાણીને ચોકી જશો કે 50 વર્ષ સુધી ભારતીય રેલવેમાં શૌચાલયની સુવિધા નહોતી. ભારતીય રેલવેમાં શૌચાલયની સુવિધા પુરી પાડવા માટે 1909માં રજૂઆત કરાઈ હતી.

1986માં ભારતીય રેલવેને કોમ્પ્યુટરથી જોડવામાં આવી હતી. દુનિયાની સૌથી સસ્તી ટ્રેન સેવા ભારત સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. દેશમાં અંદાજે 7500 રેલવે સ્ટેશનો છે.

ગુજરાતમાં 20મી જાન્યુઆરી, 1863ના દિવસે પ્રથમવાર અમદાવાદથી સુરતની ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

મુંબઈના બોરી બંદર સ્ટેશનના પુનઃ નિર્માણ બાદ વિકટોરીયા ટર્મીનસ બન્યુ હતું અને પછીથી છત્રપતિ શિવાજી ટર્મીનસ તરીકે પ્રખ્યાત થયું હતું.

હિંદુસ્તાનમાં રેલવે વ્યવહારની શરૂઆત

સૌ પહેલાં, દક્ષિણ ભારતમાં ચિંતાદ્રિપેટ (મદ્રાસ) ખાતે પ્રાયોગિક ધોરણે રેલવે લાઇનનો ઉપયોગ થયો. 1837માં મદ્રાસ ઇલાકા (મદ્રાસ પ્રેસિડેંસિ, હાલ તામિલનાડુ) માં રેડ હિલ રેલ રોડ (રેડ હિલ રેલવે) કાર્યરત થતાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થઈ. રેડ હિલ્સ રેલવે વ્યાવહારિક – કોમર્શિયલ હેતુ અર્થે ઉપયોગમાં લેવાયેલ ભારતની સર્વપ્રથમ રેલવે લાઇન હતી. 1851ના ડિસેમ્બરની 22મી તારીખે ઉત્તર ભારતમાં રૂરકીપાસે રેલવે લાઇન પર સૌ પ્રથમ સ્ટીમ એંજિન ‘થોમસન’ દ્વારા ખેંચાતી રેલવે ટ્રેનનો ઉપયોગ થયો. થોમસન સ્ટીમ લોકોમોટિવ દ્વારા સંચાલિત આ માલવાહક ટ્રેન સોલાની એક્વિડક્ટ (ગંગા રિવર કેનાલ પ્રૉજેક્ટ) ના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી હતી.

1844માં મુંબઈમાં રેલવે લાઇન શરૂ કરવા કંપની સ્થાપવાના પ્રયત્નો લંડનમાં શરૂ થયા. તેમાં ‘ફાધર ઓફ રેલવે’ કહેવાતા જ્યોર્જ સ્ટિફન્સનનો ફાળો પણ હતો. 1849માં ઇંગ્લેન્ડની પાર્લમેન્ટ દ્વારા મંજૂરીની મહોર વાગી અને મુંબઈ માટે રેલવે કંપનીની સ્થાપનાનો માર્ગ ખુલ્લો થયો. ફળસ્વરૂપ, ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની અસ્તિત્વમાં આવી. અંગ્રેજ ડાયરેક્ટરોનું પ્રભુત્વ ધરાવતી આ બ્રિટીશ કંપની જીઆઇપીઆરમાં માત્ર બે ભારતીય ડાયરેક્ટરો હતા: સર જમશેત્જી જીજીભોય; બીજા હતા જગન્નાથ શંકર શેઠ.

મુંબઈ નિવાસી આ બંને આગેવાનોએ મુંબઈના વિકાસનો પાયો મજબૂત કરવા રેલવેના આરંભમાં ઊંડો રસ લીધો. 1849માં જીઆઇપીઆર કંપનીને જરૂરી કેપિટલ મેળવવાની મંજૂરી મળતાં કંપની સક્રિય થઈ. જીઆઇપીઆરના રેસિડેંટ એન્જીનિયર તરીકે બાહોશ બ્રિટીશ એન્જીનિયર જે. જે. બર્કલી નિમાયા.
1850માં ઇંગ્લિશ એંજિનિયર બર્કલીએ મુંબઈ થાણા વિસ્તારનો સર્વે કર્યો. એશિયાની આ પ્રથમ રેલવે રેલવે લાઇન હોવાથી પડકારો ઘણા હતા. 1851માં દસ હજાર કર્મચારીઓના જંગી સ્ટાફ સાથે રેલવે માટે કામ શરૂ થયું.

મુંબઈના તે સમયે બોરી બંદરથી ઓળખાતા વિસ્તારમાં બોરીબંદર સ્ટેશનનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું. આજે જ્યાં સીએસટી – છત્રપતિ શિવાજી ટર્મિનસ છે, ત્યાંથી થોડે જ દૂર બોરીબંદર સ્ટેશન હતું. 1852માં રેલવે લાઇનની કામગીરી પૂરી થઈ ગઈ. ફેબ્રુઆરી 1852માં સૌ પ્રથમ સ્ટીમ એંજિન જોડીને ટ્રેનના ટ્રાયલ રન પણ લેવાઈ ગયા. તે સમયે બૉમ્બેના ગવર્નર લોર્ડ ફૉકલેંડ (1848-1853) હતા. તેમના માનમાં પ્રથમ સ્ટીમ એંજિનનું નામ ‘ફૉકલેન્ડ’ રાખવામાં આવ્યું. હિંદુસ્તાનની પ્રથમ રેલવે ટ્રેન મુંબઈમાં બોરીબંદર અને થાણા વચ્ચે દોડાવવાની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. પ્રથમ પેસેંજર ટ્રેન માટે ઇંગ્લેન્ડથી ત્રણ સ્ટીમ એંજિન (સ્ટીમ લોકોમોટિવ) મુંબઈ આવી પહોંચ્યાં. આ ત્રણ સ્ટીમ લોકોમોટિવનાં નામ સાહેબ, સુલતાન અને સિંઘ રાખવામાં આવ્યાં.

એ નવાઈની વાત છે કે 16 એપ્રિલ, 1853 ને શનિવારને દિવસે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી હતી. બોરીબંદરના સ્ટેશન પર જનમેદની ઉમટી પડી હતી. ટ્રેન અને વીઆઇપી પેસેંજરોના સન્માનમાં મુંબઈના ગવર્નરનું ખાસ બેંડ બોલાવવામાં આવ્યું હતું. બોરી બંદરના પ્લેટફોર્મ પર 14 કોચ સાથેની ટ્રેન તૈયાર હતી. ટ્રેનમાં આશરે 400 પેસેંજર ગોઠવાઈ ગયા. તેમાં જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર સર જમશેત્જી જીજીભોય અને જગન્નાથ શંકર શેઠ સહિત ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ, અન્ય પ્રતિષ્ઠિત અંગ્રેજ અને હિંદુસ્તાની આગેવાનો ગોઠવાયા. મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડ ન આવ્યા, પણ તેમનાં પત્ની લેડી ફોકલેંડ વિશેષ આમંત્રિત મહેમાન હતાં.

બપોરના સાડા ત્રણ વાગ્યા સુધીમાં આ તમામ મહેમાનો ગોઠવાઈ જતાં એકવીસ તોપોની સલામી અપાઈ. બપોરે 3.35 વાગ્યે પ્લેટફોર્મ છોડી, ત્રણ સ્ટીમ એંજિન લોકોમોટિવથી ચાલતી, 14 કોચની ભારતની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેને થાણે તરફ પ્રયાણ કર્યું. બોરી બંદરથી 34 કિલોમીટરની આશરે 45 મિનિટની સફળ મુસાફરી પછી ટ્રેન હેમખેમ થાણે પહોંચી. થાણામાં સમારંભ પછી, વળતી મુસાફરી કરી, સાંજના સાતેક વાગ્યે ટ્રેન બોરીબંદર મુંબઈ પાછી ફરી. આમ, સોળમી એપ્રિલ 1853ના રોજ મુંબઈમાં ભારતની (એશિયાની પણ) સર્વ પ્રથમ સ્ટીમ લોકોમોટિવ સંચાલિત જાહેર રેલવે ટ્રેન સેવાનો આરંભ થયો.