આજે ચૈત્રી પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત, અમરત્વ પ્રાપ્ત એવા હનુમાન મહારાજની જન્મજયંતિ

હનુમાનજી મહાદેવ શંકરનાં 11માં અવતાર હોવાની માન્યતા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. હનુમાનજી એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી. હનુમાનજી એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વજ્ઞાન, સાહિત્‍ય વગેરે ગુણોથી સં૫ન્‍ન છે.

આવા સર્વગુણ સંપન્ન વ્યક્તિત્વ જેના ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રીરામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણ સંપન્ન હોવા છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રીરામની ભકિતમાં મગ્‍ન રહેતાં. શ્રીરામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયારે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું, તે હનુમાનજીએ બખૂબી નિભાવ્‍યું હતું.

હનુમાનજીને મહાદેવ શંકરનાં 11મા અવતાર માનવામાં આવે છે. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરાહજુર છે. એટલે કે તેમને અમરત્વ પ્રાપ્ત થયેલું છે. કહેવાય છે કે જ્યાં શ્રીરામ ભગવાનની કથા થતી હોય ત્યાં હનુમાનજી આવીને કથા સંભાળે છે.

હનુમાનજીની સ્તુતિ કરતી હનુમાન ચાલીસા એ સંત તુલસીદાસ રચિત કૃતિ છે, જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે. જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે. માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમુહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.