દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સોમવારથી ચાર દિવસ આરોગ્‍ય મેળો

(કુંજન રાડિયા)જામ ખંભાળીયા : લોકોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ પ્રોગ્રામો અને યોજનાઓ વિશે જન જાગૃતિ વધે તેમજ સ્થાનિક કક્ષાએ જનસમુદાયને ગુણવતાસભર આરોગ્ય વિષયક સેવાઓનો લાભ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા તા. 18 થી તા. 22 એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. જેમાં તા.19ના રોજ ખંભાળિયા તાલુકાના ભાડથર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તા. 20 ના રોજ ભાણવડ તાલુકાના વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 21ના રોજ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ખાતે અને તા. 22 ના રોજ ઓખામંડળ (દ્વારકા) તાલુકાના ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલા કિક્રેટ મેદાનમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હેલ્થ મેળામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓના કાર્ડ બનાવવા તેમજ રીન્યુ કરવા, ડિઝીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ બનાવવા જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજનાના લાભાર્થીઓ તેમજ ટી.બી. રોગના દર્દીઓને સ્થળ ઉપર જ લાભ આપવા મોતિયા મુકત ગુજરાત અંતર્ગત દર્દીઓની આંખોની તપાસ કરવી ચેપી અને બિનચેપી રોગોની તપાસ નિદાન અને સારવાર નવજાત શિશુ તથા નાના બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડખાપણ અંગે તપાસણી નિદાન અને સારવાર વિગેરે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રોગ્રામો વિશે યોગ્ય જાણકારી પુરી પાડવામાં આવશે. આરોગ્ય વિભાગ સાથે આઈ.સી.ડી.એસ. વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ તથા અન્ય વિભાગ સાથે સંકલન કરી આ હેલ્થ મેળાને સંપૂર્ણ સફળ બનાવવામાં આવશે.

આ હેલ્થ મેળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થીઓ જાગૃત નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અહીંના જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.