ખંભાળિયામાં જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

(કુંજન રાડિયા)જામ ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજરોજ શનિવારે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષસ્‍થાને ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન કચેરી ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં અહીંના ધારાસભ્‍ય દ્વારા રજુ થયેલા પ્રશ્નોનો ત્‍વરિત અને સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ત્‍યાર બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના મુદા જેવા કે, લોકો તરફથી મળેલી અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલી અરજીઓ, પેન્‍શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્‍હેણાની વસુલાત, વિગેરે પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની દ્વારા વાંચન કરવામાં આવ્‍યું હતું. તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા જણાવ્‍યું હતું.

આ બેઠકમાં ધારાસભ્‍ય વિક્રમભાઈ માડમ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને પાર્થ તલસાણીયા સહિત સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.