બાળ લગ્ન કરાવીને કાયદાનો ભંગ કરવા સામે તંત્રની ચેતવણી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : આપણા સમાજમાં હજી પણ કાયદાથી અજાણ હોય કે હેતુસર બાલ લગ્ન કરાવવામાં આવે છે. પરંતુ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત સ્રી બાળકના 18 વર્ષ પુર્ણ કર્યા પહેલા અને પુરૂષ બાળકના 21 વર્ષ પુર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન આ અધિનિયમ મુજબ બાળલગ્ન છે. જે બિન જામીનપાત્ર ગુનો બને છે અને આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે, મદદગારી કરે, ભાગ લે, તે દરેક વ્યક્તિઓ આ અધિનિયમની વિવિઘ કલમ અન્વયે બે વર્ષની સખત કેદની સજા અને રૂ. એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. જેથી દેવભુમિ દ્વારકા જિલ્લાના કોઈપણ વિસ્તાર, ગામ, કે ફળીયામાં, જો કોઇ બાળલગ્નનું આયોજન કર્યુ હોય, કે બાળલગ્ન કરતા હોય તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા અહીં જ આવેલી જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી અથવા આ જિલ્લાના હેલ્પલાઇન નંબર 9104428528 પર સંપર્ક સાધવો અથવા નજીકના પોલીસ સ્ટેશને કે ચાઇલ્ડ લાઇન 1098 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ માહિતી આપનારની ઓળખ સંપુર્ણ ગુપ્ત રાખવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.