દ્વારકા જિલ્‍લામાં બિનસચિવાલયની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસીસ્‍ટન્‍ટની જગ્‍યા ઉપર ભરતી માટેની લેખિત પરીક્ષા આગામી રવિવાર તા. 24 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે ઉમેદવારોને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ એક જાહેરનામાં દ્વારા જિલ્લાના પરીક્ષાના તમામ કેન્દ્રોની આજૂબાજૂના વિસ્તારમાં ઝેરોક્ષ-ફોટોકોપી થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીઓએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસીસ્‍ટન્‍ટની પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરની વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશકર્તા (સરકારી-અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા. 24 ના રોજ સવારે નવથી બે વાગ્યા સુધી તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ કર્યો છે.