ભાણવડમાં તાલુકા પેન્શનર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

વરિષ્ઠ પત્રકાર અને બે સેવાભાવી નાગરિકોનું સન્માન કરાયું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે તાલુકા પેન્શનર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ટ્રેજરી ઓફિસર, તાલુકા મામલતદાર, ટી.ડી.ઓ. સહિતના હાજર રહ્યા હતા. આ તકે ભાણવડમાં છેલ્લા છ દાયકાથી પણ વધારે સમયથી પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપતા વરિષ્ઠ પત્રકાર ખેતસીભાઇ ઘેલાણી સહિત અન્ય બે સેવાભાવી નાગરિકોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ભાણવડના સુપ્રસિદ્ધ સુખનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ટ્રેજરી ઓફિસર જે. વી. ગોવાણી, તાલુકા મામલતદાર દક્ષાબેન રિંડાણી, તાલુકા વિકાસ અધિકારી કે. આર. ચુડાસમા, નિવૃત્ત ટી.ડી.ઓ. કે. પી. ચાવડા, તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ કાલિદાસ સાપરિયા, જામજોધપુરના જમનભાઈ વડાલીયા, પાંજરાપોળ ગૌશાળાના સંચાલક મુકેશભાઈ સંઘવી, અગ્રણી તબીબ ડોકટર સાજણભાઈ વારોતરીયા, ગગુભા જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની પ્રારંભમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા નિવૃત્ત કર્મચારીઓના માનમાં મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. મહાનુભવોએ બે વર્ષ બાદ સમૂહમાં મળવાનો મોકો મળતાં પ્રવચનમાં આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં, મહાનુભવોએ સરકારી કર્મચારીઓએ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જવા માટે અપીલ કરી હતી. અને જીવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેશું તો બીમારીઓ પણ દૂર ભાગવા લાગશે.

વધુમાં, મહાજન પાંજરાપોળ ગૌશાળાના સંચાલક મુકેશભાઈ સંઘવી અને જાણીતા તબીબ, સમાજસેવક ડો. સાજણભાઈ વારોતરિયાની અવિરત સેવાને બિરદાવી તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ 80 વર્ષથી વધુ ઉંમરના નિવૃત કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શંકરસિંહ બારીયા, આર. ડી. વૈશ્નાણી, રમેશભાઈ ભટ્ટ, ભાલચંદ્ર ભટ્ટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.