દ્વારકામાં આહિર સમાજની વાડી ખાતે દંગલ મચાવતા જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં ચરકલા રોડ પર આવેલી અખિલ ભારતીય આહીર સમાજની વાડી ખાતે રોકાવવા આવેલા જૂનાગઢના રહીશ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ રાજશીભાઈ ખોડભાયા (ઉ.વ. 31) તથા જૂનાગઢમાં વડાલા ફાટક પાસે રહેતા દિવ્યેશ ભાયાભાઈ ભાટુ (ઉ.વ. 27) નામના બે શખ્સો આ વાડીમાં રોકાયા હતા. જ્યાં તેઓ મોટા અવાજથી દેકારો કરતા હોય, તેમને આ વાડીના કર્મચારી ભોલાભાઈ ધરણાંતભાઈ આંબલીયા (ઉ.વ. 27) એ ટપારતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંને શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, છરી વડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

એટલું જ નહીં રૂમમાં તોડફોડ કરી, વાહન વડે વાડીના ગેટને તોડી પાડી રૂપિયા વીસ હજારનું નુકસાન પણ કર્યું હોવાનું ભોલાભાઈ કાંબરીયાએ દ્વારકા પોલીસમાં જાહેર કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે જૂનાગઢના બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 427, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી લીધી હતી.