સલાયાના બાલા હનુમાન મંદિરથી મામાસાહેબના મંદિર સુધીના રસ્તાનું કામ ચાલુ કરવામાં તંત્રની બેકાળજી

લતાવાસીઓમાં ભારે નારાજગી : તુરંત કામ ચાલુ નહિ થાય તો ઢોલનગારા સાથે પહોંચશે પાલિકાએ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના બાલા હનુમાન મંદિરથી મામાસાહેબના મંદિર સુધીના રસ્તાનું કામ ચાલુ કરવામાં તંત્ર બેકાળજી રાખતા લતાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તુરંત કામ ચાલુ નહિ થાય તો ઢોલનગારા સાથે પાલિકાએ પહોંચશે તેમ રજુઆતમાં જણાવાયું છે.

સલાયાના બાલા હનુમાન મંદિર પાસે જૂનું તળાવ આવેલું છે. આ તળાવની પાળથી મામાસાહેબના મંદિર સુધીના રસ્તાનું આજદિન સુધી એક વાર પણ કામ કરવામાં આવેલ નથી. અહિ ચોમાસા દરમ્યાન પાણી ભરાયેલા જ રહે છે. તેમજ આ જગ્યાએ કાદવ-કીચડ ખૂબ પ્રમાણમાં થાય છે. જેના લીધે ચોમાસામાં મચ્છરનો ખૂબ ત્રાસ રહે છે અને રોગચાળો પણ વક્રે છે. આ રસ્તો સલાયાની મુખ્ય ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કેન્દ્ર એ જવા માટેનો છે. જેથી, અહી લોકોની અવરજવર પણ વધુ રહે છે. આ રોડ માટે અનેકવાર નગરપાલિકા સભ્યોએ તેમજ સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક માંગણી કરેલ હોવા છતાં હજુ કામ થયેલ નથી.

જાણવા મળ્યા મુજબ આ રસ્તો પાસ પણ થઈ ગયેલ છે. છતાં ક્યા કારણોથી ચાલુ નથી થયું એ વિચારવું રહ્યું. હવે જો એક મહિનામાં આ કામ ચાલુ કરવામાં નહિ આવે તો ઢોલનગારા સાથે આ વિસ્તારના લોકો પંચાયતે રજૂઆત કરી તંત્રને જગાડશે. એવી અરજી સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ લેટરપેડ ઉપર લતાવાસીઓની સહીથી અરજી કરેલ છે.